ભુજ : કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડોના સફેદ રણની મોજ મહાણવા માટે અનેક પ્રવાસીઓ દરવર્ષે આવે છે. સફેદ રણમાં આગામી 1લી નવેમ્બરથી રણોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે તૈયારીઓ તેમજ દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકોને કોઇ તકલીફ ન પડે તે માટે સુવિધાઓ પૂર્ણ કરવા યોજાયેલી બેઠકમાં કલેક્ટરે સૂચના આપી હતી. ટેન્ટસિટીમાં કોરોના રસી કેન્દ્ર, અને પરિક્ષણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. ઉપરાંત આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. કચ્છમાં કોરોનાએ લગભગ વિદાય લઈ લીધી છે, ત્યારે આ વર્ષે વધુને વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓને કોઈ જ તકલિફ ન પડે તેવું આયોજન કરવામાં આવશે.
કચ્છના જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે રસ્તાને સુધારવા તથા પીવાના પાણીની વ્યવસ્થા સુચારુ કરવા, ભીરંડિયારા ખાતે પરમીટની જે વ્યવસ્થા છે તે ભૂંગાની હાલત સુધારવા તાકીદ કરી હતી. ઓનલાઇન પરમિટની વ્યવસ્થા પહેલાં ખાનગી ધોરણે હતી તેને બદલે હવે સરકારી રાહે જ ઓનલાઇન પરમિટ નીકળશે તેવી માહિતી પ્રાંત અધિકારી અતિરાગ ચાપલોતે આપી હતી. ઘોરડોની મુલાકાતે આવતા પ્રવાસીઓને સંદેશા વ્યવહારની સુવિધામાં મુશ્કેલી ન પડે એ માટે બીએસએનએલના નાયબ જનરલ મેનેજર યોગેશ ગોસ્વામીએ ખાતરી આપી હતી. મોબાઇલ વગેરેના કવરેજ માટે વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત તંબુનગરીમાં પ્રવાસીઓ માટે સ્પા સહિતની શું શું સુવિધાઓ હશે તેની વિગતો ચર્ચા પણ કરવામાં આવી હતી. ધોરડોના સરપંચે સૂચનો કર્યા હતા અને અહીં કોરોના પરીક્ષણ, રસીકરણ સેન્ટર પણ હોય તેવું જણાવતાં આરોગ્ય વિભાગને સૂચના અપાઇ હતી. આ બેઠકમાં ડી.ડી.ઓ. ભવ્ય વર્મા પણ હાજર રહ્યા હતા. બેઠકમાં માર્ગ મકાન વિભાગ, પાણી પુરવઠા, આરોગ્ય સહિતના વિવિધ વિભાગના વડા હાજર રહ્યા હતા.(file photo)