પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ખરીફ સીઝનમાં મગફળીનું મબલખ વાવેતર થયું હતું. મગફળીનો પાક તૈયાર થઈ જતા ડીસા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો વેચાણ અર્થે આવી રહ્યો છે. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતો વેપારીઓને જ મગફળીનું વેચાણ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીનું વેચાણ થઈ રહ્યું છે. દિવાળી પહેલા નાણાંની જરૂરિયાત તેમજ શિયાળાની સિઝનની વાવેતર માટે ખેડૂતો ખરીફ સીઝનમાં તૈયાર થયેલા મગફળીનું વેચાણ કરી રહ્યા છે. ડીસા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 50 હજારથી વધુ મગફળી બોરીની આવક છે. 1100 થી લઈ 1300 રૂપિયા જેટલા ભાવ મગફળીના મળતા ખેડૂતો અત્યારે મગફળીનું વેચાણ કરી રહ્યા છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત જાહેરાત કરી છે. પરંતુ તેની શરૂઆત અને હજુ લાભ પાંચમ સુધીનો સમય બાકી છે. ત્યારે સરકારના ટેકાના ભાવ કરતાં માર્કેટિંગ યાર્ડમાં વધુ ભાવ મળતાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેપાર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ટેકાના ભાવ આપે છે. પરંતુ તેના કરતાં સારા ભાવ માર્કેટમાં મળી રહેતા હોવાથી ખેડૂતો સરકારી પદ્ધતિમાં પડવા કરતા માર્કેટમાં મગફળી નું વેચાણ કરી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત વર્ષે પણ સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી નિષ્ફળ રહી હતી. મોટાભાગના ખેડૂતોએ બજારમાં મગફળીનું વેચાણ કર્યું હતું. દર વખતે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી મોડી શરૂ કરે છે. જેના કારણે નાણાંની જરૂરીયાતવાળા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચાણ કરવાનું વધુ પસંદ કરે છે. ટેકાના ભાવ કરતાં સારા ભાવ તેમજ સરકારી પદ્ધતિમાંથી પસાર થવાનું હોવાના કારણે ખેડૂતો મગફળી બજારમાં વેચાણ કરી રહ્યા છે.