- સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટ્યો
- રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકા
- પાંચ માસના તળિયે
નવી દિલ્હી: એક તરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવાને કારણે રિટેલ ફુગાવો ઘટીને 4.35 ટકા થયો છે. આ સાથે જ સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને પાંચ માસના તળિયે પહોંચી ગયો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, CPI આધારિત ફુગાવો ઑગસ્ટ 2021 દરમિયાન 5.30 ટકા અને સપ્ટેમ્બર, 2020માં 7.27 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર સપ્ટેમ્બર, 2021માં ખાદ્ય ફુગાવો ઘટીને 0.68 ટકા થયો છે. ઑગસ્ટ 2021માં ખાદ્ય ફુગાવો 3.11 ટકા હતો.
બીજી તરફ RBIએ અંદાજ લગાવ્યો છે કે, સમગ્ર વર્ષ 2021-22માં CPI આધારિત રિટેલ ફુગાવો 5.3 ટકા રહેશે. બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 5.1 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.5 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 5.8 ટકા રહેશે.
બીજી તરફ ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને ૧૧.૯ ટકા રહ્યું છે. લો બેઝ ઇફેક્ટ અને મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને વીજળી સેક્ટરના સારા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.
માઇનિંગ સેક્ટરની વાત કરીએ તેમાં ઉત્પાદનમાં પણ 23.6 ટકાની વૃદ્વિ જોવા મળી છે. વીજ સેક્ટરમાં પણ ઉત્પાદનમાં 16 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં IIP ઇન્ડેક્સ 131.1 ટકા રહ્યું છે. જે ઑગસ્ટ, 2020માં 117.2 પોઇન્ટ હતું.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, ૨૦૨૦માં આઇઆઇપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં ૭.૧ ટકાનો ઘટાડો થયો હતો.