અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહિલાને દુર્લભ બિમારીથી મળ્યો છુટકારો
અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે 32 વર્ષના તન્વીબેનને થયેલી દુર્લભ બિમારીની જટિલ સારવારમાં સફળતા મેળવી છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા તન્વીબેનને લાંબા સમયથી મણકાની તકલીફના કારણે હલન-ચલનમાં અને સૂવામાં તકલીફ પડી રહી હતી. તન્વીબેનના બે મણકા એકબીજા સાથે ચોટી જવાથી તેમનું શરીર આગળના ભાગે વળવા લાગ્યું હતું.
તેમના પતિએ આ સમસ્યાના નિવારણ માટે ઘણી ખાનગી હોસ્પિટલના સંપર્ક કર્યા હતા પરંતુ ક્યાંય સંતોષકારક જવાબ મળ્યો નહીં. કેટલીક જગ્યાએ સર્જરીની ખાતરી આપવામાં આવી તો નાણાનો પ્રશ્ન ઉભો થયો હતો. આ પ્રકારની સર્જરી અત્યંત જટીલ અને 3 લાખ જેટલી ખર્ચાળ હોવાથી તન્વીબેનના પરીવાર માટે તે અશક્ય બની રહ્યું હતુ.
દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મહિલા દાખલ થયા હતા, જ્યાં X-RAY, MRI તથા CT SCAN સહિતના ટેસ્ટ કરતાં જાણવા મળ્યું કે તન્વીબેનને અંકાયલોસિંગ સ્પોન્ડાયલોસીસ નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. 3 કલાકની સર્જરી બાદ અંતે 66 ડિગ્રી જેટલો આગળની તરફ વળી ગયેલો કમરનો ભાગ હવે 11 ડિગ્રી સાથે સામાન્ય બન્યો. હાલ તન્વીબેન સરળતાપૂર્વક હલન-ચલન કરી શકે છે. સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ પરિશ્રમ ના કારણે મારા લાંબા સમયની પીડાનો અંત આવ્યો છે.
તેઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન કાર્ડના કારણે જ મારી સર્જરી થઇ શકી છે. અમારા ગરીબ પરિવાર માટે 2 થી 3 લાખના ખર્ચે સર્જરી કરાવવું અસંભવ જ હતુ. જે માટે અમારો પરિવાર સરકારનો હરહંમેશ આભારી રહેશે.