અમદાવાદઃ રાજ્યમાં ટ્રસ્ટો પાસે કરોડો રૂપિયાની જમીનો છે, ગણા ટ્રસ્ટીઓ સંસ્થાની માલિકીની જમીનો વેચી દેતા હોવાથી વિવાદો પણ ઊભા થઈ રહ્યા છે. સાર્વજનિક ટ્રસ્ટો દ્વારા સમાંયતરે ચેરિટી કમિશનર પાસે ખાનગી જમીનો વેચાણ માટેની મંજૂરીઓ માગવામાં આવે છે પણ હવે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ચેરિટી કમિશનર મંજૂરી આપે તે પહેલાં કલેકટર કે રેવન્યૂ અધિકારીનો અભિપ્રાય મેળવે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના પરાર્મશ વિના ચેરિટી કમિશનર ટ્રસ્ટોની જમીનોના વેચાણને મંજૂરી આપે નહીં તેવી વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા ચાલી રહી છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગને એવું ધ્યાને આવ્યું છે કે, કેટલાંક ટ્રસ્ટો દ્વારા ખાનગી જમીનોના વેચાણ કરવામાં નફો રળવાની પ્રવૃતિ કરવામાં આવી રહી છે જેની ઉપર અંકુશ લગાડવા માટે રાજ્ય સરકાર પગલા લેવાનું વિચારણા કરી રહી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ધાર્મિક સ્થાનોના નામે કરોડો રૃપિયાની જમીનો આવેલી છે જોકે, મોટાભાગના કિસ્સામાં ધાર્મિક સ્થાનના નામની સાથે વહીવટકર્તાનું નામ પણ રેવન્યૂ રેકર્ડમાં ચાલતુ હતુ. જેના કારણે કેટલાંક વિવાદ થતા હતા જ્યારે આવા રેવન્યૂ રેકર્ડમાં વારસાઇ કરી દેવાતી હતી જેના કારણે બારોબાર જમીનનું વેચાણ પણ કરી દેવાતું હતુ. જોકે, આ પ્રવૃતિને રોકવા માટે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા તા.9 એપ્રિલ 2010ના રોજ એક મહત્ત્વનો પરિપત્ર કર્યો હતો જે અંતર્ગત ગુજરાતભરમાં ધાર્મિક સંસ્થાઓની જમીનોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો. ધાર્મિક સંસ્થા કે ધાર્મિક દેવસ્થાનોના નામે હોય તેવી જમીનના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. કેટલાંક કિસ્સામાં એવું ધ્યાને આવ્યું હતુ કે, રેવન્યૂ રેકર્ડમાં માત્ર ધાર્મિક સ્થાનનું નામ ચાલતું હોય છે તેવા કિસ્સામાં ટ્રસ્ટ બનાવવામાં આવે છે પછી ટ્રસ્ટની નોંધણી કરવામાં આવે છે અને ટ્રસ્ટની નોંધણી થયા બાદ આ જમીનોના રેવન્યૂ રેકર્ડમાં ટ્રસ્ટીઓના નામ ચઢાવવામાં આવતા હોય છે.
આ ટ્રસ્ટો દ્વારા ધાર્મિક સ્થાનોને દાનમાં મળેલી જમીનોના વેચાણની ચેરિટી કમિશનર પાસે મંજૂરી માગવામાં આવે છે પછી ચેરિટી કમિશનરની મંજૂરી લઇને પણ આવી જમીનોનું વેચાણ થતું હોય છે પણ રાજ્ય સરકારના મહેસુલ વિભાગ ધાર્મિક સ્થાનો કે ધાર્મિક કે સખાવતી સંસ્થાઓની જમીનોના વેચાણને મંજૂરી આપવામાં રેવન્યૂ અધિકારીઓનો અભિપ્રાય મહત્ત્વનો બનાવવા માગે છે જે અંતર્ગત કોઇ સંસ્થા કે ટ્રસ્ટ દ્વારા જો ચેરિટી કમિશનર પાસે પોતાની જમીન વેચાણ કરવાની મંજૂરી માગે તેવા કિસ્સામાં ચેરિટી કમિશનર આ જમીનમાં સરકારનું હીત નથી તે અંગે રેવન્યૂ અધિકારીનો અભિપ્રાય માગશે.