ભાવનગરઃ જિલ્લામાં વરસાદને કારણે અનેક માર્ગોની હાલત બદતર બની છે. જેમાં ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવેનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, બીજી બાજુ વાહન ચાલકોને સૂચિત કરતા સાઇનબોર્ડ નહિ લગાડી, જુના રસ્તાઓ રીપેર નહિ કરી તેમજ આડેધડ ઊગી નીકળેલા બાવળોને નજર અંદાઝ કરી નેશનલ હાઇવે ઓથોરિટીએ જાણે જવાબદારીમાંથી હાથ જ ખંખેરી નાખ્યા છે. ગુરુવારે રાત્રે ભડી ગામના પાટીયા પાસે ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોની જિંદગી દાવ પર લાગી હતી. ત્યારે બાયપાસ માટેના નાળામાં સાઇનબોર્ડ શા માટે નથી મુકાયું તે મુદ્દો લોકમાનસમાં ઉઠ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરથી તળાજા સુધીના રોડ પર પસાર થવા માટે હાલ ટોલટેક્સ ઉઘરવામાં આવી રહ્યો છે છતાં રોડની પૂરતી સુવિધા નથી મળી રહી, જ્યાં જ્યાં રોડ નથી બન્યો ત્યાં જુના રોડનો ઉપયોગ થઈ રહ્યો છે. તણસા, ત્રાપજ સહિતના ગામોના રસ્તા પર હેરાનગતિ છે તો સતત ઊડતી ધૂળની ડમરી અને ખાડામાં પટકાતા વાહનોના અવાજથી સ્થાનિક રહીશો કંટાળી ગયા છે. જુના રોડથી નવા રોડ પર ચડવા ઉતરવામાં મોટા ખાડા અને કડ પડી ગઈ છે, તે રીપેર થતી નથી આથી વાહનોને નુકશાન પહોંચી રહ્યું છે.
ભંડારિયામાં ગામમાંથી હાઇવેને જોડતા રોડ પર ભડી નજીક નાળામાં દિશાસુચક બોર્ડ મુકાયું નથી આથી વાહન ચાલકો સીધા જ રોંગ સાઈડમાં ઘુસી જાય છે, કેટલાક વાહન ચાલકો આળસમાં પણ નાળાનો ઉપયોગ કરતા નથી. આ સંજોગોમાં સામેથી આવતા વાહન સાથે અકસ્માતનો ભય સતત રહે છે. ગુરૂવારે ખાનગી ટ્રાવેલ્સની બસ અને મહુવા જઇ રહેલી એસટીનો અકસ્માત આ સ્થળે થયો. આ બનાવમાં ખાનગી બસનો કંડકટર ફસાઈ જતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ લગભગ 30 મિનિટ સુધી મહેનત કરી તેને બહાર કાઢયો હતો.સ્થાનિક ગ્રામજનો નેશનલ હાઇવે ઓથીરિટીની બેદરકારી અને જોહુકમી સામે ભારે ત્રસ્ત છે.