ગુજરાતઃ વાયુ પ્રદુષણથી બીમાર પડતા લોકો પાછળ દર વર્ષે 20 કરોડથી વધુનો ખર્ચ
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ વાયુ પ્રદુષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2019માં ગુજરાતમાં વાયુપ્રદુષણથી 87 હજારના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર દેશમાં 17 લાખના મોત થયાનું સુત્રોએ જણાવ્યું હતું. વાયુ પ્રદુષણને કારણે લોકોના આરોગ્યને પણ અસર પડી રહી છે અને તેમની ઉપર આર્થિક બોજ પણ વધી રહ્યો છે. વાયુ પ્રદુશણથી મોટાભાગના કિસ્સામાં ફેફસા ઉપર અસર પડે છે. પ્રદુષણથી થતી બીમારી પાછળ ગુજરાતમાં 21 હજાર કરોડનો ખર્ચ કર્યો હોવાનું જાણવા મળે છે. આમ દર વર્ષે એક વ્યક્તિ પ્રદુષણથી થતી બીમારની સારવાર પાચળ સરેરાશ રૂ. 3 હજાર જેટલો ખર્ચ કરે છે.
શહેરીકરણ અને આધુનિકીકરણે હવાનું પ્રદુષણ એટલું વધારી દીધું છે. ગુજરાતના શહેરોમાં રહેતી રાજ્યની 60 ટકા વસતિ એ વાત કબૂલે છે કે શહેરોમાં આડેધડ ખોદાયેલા રોડ, મસ મોટા ખાડાંઓ, ધૂળના ઢગલાઓ, લાખો વાહનોમાંથી નીકળતો ધૂમાડો, અને મોટા પાયે થઈ રહેલા બાંધકામોમાંથી ઉડતા માટીના કણોના લીધે એક શુદ્ધ શ્વાસ લેવા મળતો નથી. હવાના પ્રદુષણના લીધે ભારત દેશને 2,71,446 કરોડનું આર્થિક નુકસાન થયું છે. આ આંકડો દેશની જીડીપીના 1.4 ટકા છે. ગુજરાતને પણ વર્ષે દહાડે 21 હજાર કરોડનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેને રાજ્યની વસતિના પ્રમાણમાં વહેંચીએ તો હવા પ્રદુષણથી રાજ્યમાં વસતા દરેક ગુજરાતીના ગજવા પર ત્રણ હજાર રુપિયાનું ભારણ આવે છે. હવા પ્રદુષણથી આર્થિક નુકસાની ભોગવતા દેશના ટોપ ટેન રાજ્યમાં ગુજરાતનો ત્રીજો ક્રમ છે. પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ, બીજા ક્રમે મહારાષ્ટ્ર છે.