પંચમહાલનું આ એક એવુ સ્થળ કે જ્યાં કોઈ ડેમ નથી છતાય ઓળખાય છે કડા ડેમના નામથી
અમદાવાદઃ વડોદરા નજીક પંચમહાલ જિલ્લામાં અંદાજે રસ્તા માર્ગે 70 થી 80 કિમીના અંતરે આવું જ એક કુદરતનું મસ્ત સરનામું છે જાંબુઘોડા. અભ્યારણ્યમાં આવેલું કડા જળાશય જે અહીં કોઈ ડેમ( બંધ) ન હોવા છતાં બહુધા કડા ડેમના નામે ઓળખાય છે.
આ વિસ્તારના વન અધિકારી અને હાલમાં વન્ય જીવ વિભાગ, વડોદરાના કાર્યકારી મદદનીશ વન સંરક્ષકએ જણાવ્યું કે, “નાની મોટી ડુંગરીઓ પરથી રેલાતું વરસાદી પાણી આ તળાવનો મુખ્ય જળ સ્રોત છે. આ વિસ્તારમાં આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે. એટલે નબળાં ચોમાસે જ્યારે પાણી ખૂટી જાય ત્યારે ઉનાળામાં એને સુખી કેનાલની મદદથી ભરવામાં આવે છે જે ખેતીની સાથે વન્ય જીવોની તરસ છિપાવે છે અને પક્ષીઓને પોષે છે.
કડા ડેમ, સાદરાના જંગલમાં આવેલું ધનપરી પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર, નજીકમાં આવેલા પ્રાચીન અને વિશાળકાય, જંગલના રખેવાળ ઝંડ હનુમાન દાદા અને તરગોળ સિંચાઇ તળાવ એક બીજા સાથે સંકળાયેલા છે અને લગભગ 25 થી 30 કિલોમીટરના વન ભ્રમણ માટે મસ્ત ગણાય એવા છે. અહીં પ્રવાસીઓના માથે કોઈ મોટા જોખમો તોળાય છે એવું નથી.
જંગલ છે અને દીપડો, રીંછ જેવા પ્રાણીઓ છે એટલે ક્યારેક કોઈ પ્રવાસી પર હુમલા કે સર્પ દંશ જેવી ઘટના બની શકે. પ્રવાસીઓ ની સુરક્ષા અને સલામતીની કાળજી લેવાના અભિગમ હેઠળ વીમા સુરક્ષા છત્રની પહેલ કરી છે. જંગલની શિસ્ત પાળો તો વન્ય પ્રાણીઓ ક્યારેય હુમલો કરતાં નથી. આ લાભ માત્ર અધિકૃત પ્રવેશ કરનાર પ્રવાસીઓને જ મળવા પાત્ર છે.”