દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિગ્સના બનાવોમાં વધારો થયો છે. જેના પગલે સેના સહિત સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે. પુંછ અને રાજોરી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અંતિમ પ્રહારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેંઢરના વન વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયાં હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેથી સ્થાનિકોને ઘરની બહાર નહીં નીકળવા માટે સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભટ્ટુ દુરિયા અને આસપાસના વિસ્તારમાં સ્થાનિક મસ્જીદો મારફતે સૂચના આપીને સતર્ક કરવામાં આવ્યાં છે. લોકોને વન વિસ્તારમાં નહીં જવા અને અભિયાનના પગલે પોતાના પશુઓને પણ ઘર પાસે જ રાખવા તાકીદ કરાઈ છે. તેમજ પશુઓને લઈને બહાર ગયેલા પશુપાલકોને પણ પરત ફરવા માટે તાકીદ કરાઈ છે.
પૂંછ અને રાજોરીમાં આતંકવાદીઓ વિરુધ્ધ ચાલી રહેલા અભિયાનને નવ દિવસ થયાં છે. આ ઓપરેશનમાં નવ જેટલા સુરક્ષા જવાનો શહિદ થયાં છે. આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ પેરા કમાન્ડો અને હેલિકોપ્ટરની મદદથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં પહાળો અને જંગલથી ઘેરાયેલો હોવાથી સુરક્ષા જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં બિન-સ્થાનિકોની ઘાતકી હત્યા કરવાના બનાવો વધી રહ્યાં છે. આતંકવાદીઓએ અત્યાર સુધીમાં 11 જેટલા લોકોની હત્યા કરી છે. જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, તેમજ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરાઈ રહી છે. તેમજ આતંકવાદી પ્રવૃતિઓને પાકિસ્તાન સમર્થન આપતું હોવાથી તા. 24મી ઓક્ટોબરના રોજ ટી-20 વિશ્વકપની ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવાની માંગણી ઉઠી છે.