- ભારત-પાકિસ્તાન મેચને લઇને BCCIનું નિવેદન
- ICCની પ્રતિબદ્વતાને કારણે આ મેચ રદ કરી શકાતી નથી
- આ મેચને લઇને ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે
નવી દિલ્હી: 17 ઑક્ટોબરથી ટી 20 વર્લ્ડ કપ શરૂ થઇ ચૂક્યો છે અને તેમાં 24 ઑક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાવાનો છે. જો કે મેચને રમાશે કે નહીં તેને લઇને અનિશ્વિતતાઓ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં નિર્દોષ નાગરિકો પર થઇ રહેલા લક્ષિત હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ફરીથી વધ્યો છે. આ બાદ હવે આ મેચ પણ રદ કરવાની લોકો માગ કરી રહ્યાં છે.
T-20 વર્લ્ડકપની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારત સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધીમાં 5 મેચ રમાઇ છે, જેમાંથી ભારતીય ટીમે તમામ પાંચ મેચ જીતી છે.
ભારત-પાકિસ્તાન મેચને લઇને BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે, ICCની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્વતાને કારણે આ હાઇ વોલ્ટેજ મેચ રદ કરી શકાતી નથી. અમે જમ્મૂ કાશ્મીર હુમલાની સખત નિંદા કરીએ છીએ. આતંકીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ. જ્યાં સુધી ભારત-પાકિસ્તાન મેચનો સવાલ છે, ત્યાં સુધી ICCની પ્રતિબદ્વતાને કારણે ના પાડી શકાતી નથી.
ભારત અને પાકસિતાન વચ્ચે 24 ઑક્ટોબરના રોજ દુબઇમાં મેચ રમાવાની છે. આ મેચ દ્વારા જ વિરાટ કોહલીની ટીમ ટી 20 વર્લ્ડ કપ માટે પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચથી ચાહકોમાં પણ જોશ અને જુસ્સો જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ જ્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, ‘મને ક્યારેય આવું લાગ્યું નથી. હું તેને અન્ય મેચોની જેમ અનુભવું છું. હું જાણું છું કે આ મેચને લઈને ખાસ કરીને ટિકિટની માંગ અને વેચાણ વિશે ઘણી ચર્ચાઓ છે. અમારા માટે તે માત્ર ક્રિકેટની મેચ છે, જે યોગ્ય ભાવનાથી રમવી જોઈએ.