1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નાના બાળકોને ન્યુમોનિયા, મગજના તાવ સામે સરકાર દ્વારા મફતમાં વેક્સિન અપાશે
ગુજરાતમાં નાના બાળકોને ન્યુમોનિયા, મગજના તાવ સામે સરકાર દ્વારા મફતમાં વેક્સિન અપાશે

ગુજરાતમાં નાના બાળકોને ન્યુમોનિયા, મગજના તાવ સામે સરકાર દ્વારા મફતમાં વેક્સિન અપાશે

0
Social Share

ગાંધીનગરઃ દેશ અને ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ આજે બુધવારે તા.20મી ઓકટોબરથી આરંભાયો છે

રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વેકસીનેશન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી આજે કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અન્વયે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી આ વેકસીન દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે અપાશે
ખાનગી ક્ષેત્રમાં સામાન્યત: રૂ. 3 હજારથી 4500 ની કિંમતે મળતી આ વેકસીન સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત  સરકાર વિનામૂલ્યે લાભાર્થી બાળકોને અપાશે. રાજ્યમાં એક વર્ષમાં અંદાજે 12 લાખ જેટલા બાળકોને 3 ડોઝ મળીને કુલ 36 લાખ PCV ડોઝ આપવામાં આવશે. બાળકને જન્મના 6 અઠવાડિયે આ વેકસીનનો પહેલો ડોઝ,14 અઠવાડિયે બીજો ડોઝ અને 9 મહિના બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ વેકસીન આપવામાં આવશે. ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ, અને ગળામાં સસણી બોલવી આ રોગના મુખ્ય લક્ષણો છે. જો શિશુ આ રોગથી ગંભીર રીતે બિમાર હોય તો, તેને ખાવા-પીવામાં તકલીફ પડે છે, આંચકી આવી શકે અથવા બેભાન થઈ શકે છે, અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

ન્યુમોકોકલ સંક્રમણના કારણે કે મેનિન્જાઇટિસ, સેપ્ટિસીમિયા, અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગ સાથે સાથે સાઈનુસાઈટિસ જેવા મંદ પણ વધારે સામાન્ય રોગો પણ થઇ શકે છે.  ભારતમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે 2010માં પાંચ વર્ષથી નાના આશરે 1 લાખ અને 2015માં લગભગ 53 હજાર બાળકો મૃત્યુ પામ્યા હતા. ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન- PCV ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર ઘટાડવામાં ઉપકારક નિવડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનના યુનિવર્સલ પ્રોગ્રામથી રાજ્યમાં નવજાત બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવથી સંપૂર્ણ રક્ષણ આપવાની નેમ પાર પડશે અને ગુજરાત ચાઇલ્ડ હેલ્થકેરમાં પણ અગ્રેસર રહેશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code