વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં અજાનમાં લાઉડસ્પીકરને લઇને લેવાયો આ મોટો નિર્ણય
- વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઇન્ડોનેશિયામાં લેવાયો મોટો નિર્ણય
- લાઉડસ્પીકરમાં અવાજ ઓછો કરવા આદેશ આપવામાં આવ્યા
- આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો
નવી દિલ્હી: વિશ્વમાં ઇન્ડોનેશિયા મુસ્લિમની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ત્યારે હવે ઇન્ડોનેશિયામાં જ લાઉડ સ્પીકરમાં અજાનને લઇને મોટો નિર્ણય લેવાયો છે. જેમાં લાઉડસ્પીકરમાં અવાજ ઓછો કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ઇન્ડોનેશિયામાં અજાન દરમિયાન લાઉડસ્પીકરના વધારે પડતા અવાજને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે હવે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મસ્જિદ પરિષદ દ્વારાજ આ નિર્ણય લેવાયો છે.
થોડાક દિવસ પહેલા એક વ્યક્તિએ જ્યારે ફરિયાદ કરી ત્યારે હજારોની સંખ્યામાં લોકોએ તેના એપાર્ટમેન્ટની ઘેરાબંધી કરી હતી. પરિસ્થિતિ તંગ થતા ત્યાં સેના બોલાવવાની નોબત આવી હતી.
જકાર્તાની અલઇકવાન મસ્જિદના ચેરમેન અહમદ તૌફિકે કહ્યું કે, લાઉડસ્પીકર્સનો અવાજ ઓછો કરવાનો નિર્ણય સ્વૈચ્છિક રીતે લેવામાં આવ્યો છે. આ પહેલા બાદ લાઉડસ્પિકરનો અવાજ હવે ઘણો ઓછો થઇ ગયો છે.
લાઉડસ્પિકરના વધારે પડતા અવાજને લઇને અનેક ઑનલાઇન ફરિયાદો થઇ હતી અને વિરોધ પણ થયો હતો. વિશેષજ્ઞો અનુસાર લાઉડસ્પિકર્સના વધારે પડતા અવાજથી માનસિક સ્વાસ્થ્ય પર વધુ અસર પડે છે. જેમાં લોકો ચિંતામાં આવી જાય છે. સ્વભાવ ચીડિયો થઇ જાય છે.