- પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંકુશમાં લાવવા સરકાર એક્શનમાં
- સરકાર હવે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તેવી સંભાવના
- દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર પહોંચી ચૂક્યા છે. માતેલા સાંઢ જેવી મોંઘવારીને કારણે સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને નિયંત્રણમાં લાવવા માટે મોદી સરકાર એક્શનમાં છે. સરકાર હવે ભાવને અંકુશમાં લાવવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરે તેવી સંભાવના છે.
પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવથી સામાન્ય પ્રજા મોંઘવારીનો બમણો માર સહન કરી રહી છે ત્યારે હવે સરકાર એક્શન મોડમાં છે અને હવે લોકોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. સરકાર હવે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની તૈયારી કરી રહી છે. જો 5 રૂપિયા પ્રતિ લિટર પણ એક્સાઇઝ ડ્યુટી ઘટશે તો પેટ્રોલના ભાવમાં ફેરફાર જોવા મળશે.
દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર નજર કરીએ તો પેટ્રોલ 106.54 રૂપિયા પ્રતિ લીટર તેમજ ડિઝલનો ભાવ 96.27 રૂપિયા પ્રતિ લીટર છે, સૌથી વધારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 112.44 રૂપિયા પહોંચી ગયો છે. ડિઝલનો ભાવ પણ 103.26 રૂપિયા છે.
પેટ્રોલના ભાવ પર નિયંત્રણ માટે સરકાર એક કિંમતની સિસ્ટમ લાવવા માટે વિચાર કરી રહી છે. જેમાં પ્રાઇઝ ઇન્ડેક્સના આધારે પેટ્રોલનું વેચાણ કરવામાં આવી શકે છે. જેથી હવે લાંબા સમય સુધી પેટ્રોલના ભાવમાં અસ્થિરતા જોવા નહીં મળે.