ધોરાજીમાં કપાસની અને જામજોધપુર યાર્ડમાં મગફળીની ધૂમ આવક
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાની કૃપા સારીએવી રહી છે. તેના લીધે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. મગફળીની જેમ કપાસનું ઉત્પાદન પણ સારું થયુ છે ત્યારે તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી થઇ રહી છે, કપાસની આવક 1200 ગાંસડીથી શરૂ થઇ હતી અને હાલ રોજની 300 ગાંસડી જેટલી આવક વધી રહી છે અને ખેડૂતો દિવસેને દિવસે વધુને વધુ કપાસ લાવી રહ્યા છે.
ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે. યાર્ડમાં કપાસ રાખવા માટે જગ્યા ટૂંકી પડી રહી છે. કપાસના ભાવોની વાત કરીએ તો સારી કવોલિટીના કપાસના 20 કિલોના 1800 રૂપિયાથી વધુના ભાવો બોલાઇ રહ્યા છે અને નીચામાં નીચા ભાવ રૂ. 900 છે. સારા ભાવ મળતા હોવાથી ખેડુતો પણ ખૂશખૂશાલ છે. સોરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, સહિતના માર્કેટયાર્ડમાં મગફળીની પણ ઘૂમ આવક થઈ રહી છે. જ્યારે જામજોધપુ૨ માર્કેટીંગ યાર્ડમાં તામીલનાડુથી વેપારીઓ મગફળી ખરીદવા આવતા મગફળીનો ભાવ 1351 જેવો ઉંચો ભાવ બોલાય રહ્યો છે, યાર્ડમાં મગફળી તથા કપાસની આવક પણ ધૂમ વધતા કપાસનો ભાવ પણ 1700 રૂા. જેવી ૨કમે પહોંચતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે. યાર્ડમાં જણાસીની આવક વધતા જણસી વેચવા આવતા ખેડૂતોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે યાર્ડમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વર્ષે ખેડુતોને ખરીફ પાકના ભાવ સારા મળી રહ્યા છે. એટલે ખેડુતોને મોટી રાહત મળી રહી છે.