ગાંધીનગરઃ રાજ્યમાં વેક્સિનેશન ઝૂંબેશ વધુ સઘન બનાવવામાં આવી રહી છે. અને રાજ્યમાં 100 ટકા ટાર્ગેટ પુરો કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સરકાર દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે 100 ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરવાં અંતરિયાળ ગામો એટલે કે રિમોટ વિસ્તાર કે જ્યાંથી નાગરિકોનું વારંવાર સ્થળાંતર થાય છે તેવા વિસ્તારમાં સામાજિક સંસ્થાઓ અને સહકારી બેન્કોને જવાબદારી સોંપી 100 ટકા કોરોના વેક્સિનેશનનો લક્ષ્યાંક પૂર્ણ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે દેશની સૌથી મોટી બેન્ક સાથે મળીને રાજ્યના 6 જિલ્લાના 10 તાલુકા વિસ્તારને પસંદ કર્યા છે, જેમાં ડાંગ, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, સુરત, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં નાગરિકો કામની શોધમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરતા હોય છે ત્યારે તમામ પ્રકારનું આયોજન અને તેમના પરિવાર સાથે સંપર્ક કરીને બહાર ગયેલા વ્યક્તિ ક્યારે પરત ફરશે. તે તમામ વિગતો સાથેનું ટીકાકરણ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં કુલ 1.25 લાખ પરિવાર એવા છે કે જેમાંથી એક પણ વ્યક્તિએ કોરોનાની વેક્સિન લીધી નથી. જેનું કારણ તમામ પરિવારોના સભ્યો કામની શોધખોળમાં મજૂરી અર્થે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહ્યા છે. ત્યારે આવા 1 લાખ 25 હજાર પરિવારમાં કુલ 5 લાખ જેટલા ડોઝ આગામી સમયમાં આપવામાં આવશે.
ગાંધીનગર ખાતે રાજ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં તમામ કન્સ્ટ્રકશન સાઈટ બંધ હોય છે ત્યારે આવા નાગરિકો પોતાના જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય છે. તે દરમિયાન તેમનું વેક્સિનેશન કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે અનેક એવી અફવાઓ શરૂ થઈ શકે છે કે, વેક્સિનેશનથી વ્યક્તિને નુકસાન થાય છે. જ્યારે કોરોના એ ફક્ત શહેર વિસ્તાર પૂરતો છે. ગ્રામ્ય વિસ્તારમાં નહીં આવે. આ ઉપરાંત વેક્સિન લેવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે તેવી અફવાઓથી દૂર કરવામાં આવશે. આમ, 400 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવા રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થા તથા દેશની સૌથી મોટી બેન્ક દ્વારા 6 જિલ્લાના 10થી વધુ તાલુકામાં વાહન અને વોલ પેઈન્ટિંગના માધ્યમથી લોકોમાં વેક્સિનેશનની જાગૃતિ ફેલાવાશે.
રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જે ગ્રામ્ય વિસ્તારોમાં અથવા શહેરી વિસ્તારોમાં વેક્સિનેશન થોડાક અંશે બાકી છે. તેવા વિસ્તારોમાં આશાવર્કર બહેનો અને આંગણવાડીની બહેનોની મદદથી મતદાર યાદીનો ઉપયોગ કરીને 100 ટકા વેક્સિનેશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કામગીરી યથાવત્ રહેશે. ચૂંટણીના સમયે આંગણવાડી બહેનો અને આશા વર્કરોને ચૂંટણીની પણ કામગીરી સોપવામાં આવે છે અને જ્યારે આ બહેનો પોતાના વિસ્તારના લોકોથી પરિચિત હોય છે ત્યારે કોણે વેક્સિન લીધી છે અને કોણે વેક્સિન નથી લીધી. તે સારી રીતે તેનો ડેટા પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને મતદાર યાદીનો ઉપયોગ પણ વેક્સિનેશનની પ્રક્રિયામાં વધુ મહત્ત્વનો રહેશે.