અમદાવાદઃ શહેરનેવર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. પ્રાચીન નગર કહેવાતા અમદાવાદ શહેરમાં હવે માંડ 2685 જેટલી પ્રાચીન મિલકતો બચી છે તેને જાળવવાની અને બચાવવાની જવાબદારી કોની તે મોટો પ્રશ્ન છે. ત્યાં મ્યુનિ.એ વર્ષો અગાઉ શરૂ કરેલાં હેરિટેજ સેલને તાળા મારી દઇને તમામ સ્ટાફને હેરિટેજ ટ્રસ્ટમાં ફાળવી દેવાતાં પુરાતત્વ સાથે સંકળાયેલાં નિષ્ણાતો પણ નવાઇ પામી ગયાં છે.
શહેરના મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોનાં જણાવ્યા મુજબ મ્યુનિ.માં વર્ષો અગાઉ લગભગ 1996માં હેરિટેજ મિલકતોની જાળવણી માટે હેરિટેજ સેલની રચના કરવામાં આવી હતી, પરંતુ દાંત-નહોર વગરનાં સિંહ જેવું હેરિટેજ સેલ અમુક કામગીરી સુધી સિમિત થઇ ગયું હતું. શહેરનાં ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલી અનેક પ્રાચીન મિલકતો યેનકેન પ્રકારે જમીનદોસ્ત કરીને કે કરાવીને ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેકસ બનાવી કરોડોની કમાણી કરતાં લેભાગુ તત્વો અને મધ્ય ઝોનનાં એસ્ટેટ ટીડીઓ ખાતાનાં સ્ટાફે હેરિટેજ મિલકતો બચાવવા માટે આજદિન સુધી કોઇ કામગીરી કરી નથી. તો હેરિટેજ સેલ પાસે કોઇ સત્તા ન હોવાથી તેનો સ્ટાફ કોટ અને ચબૂતરા રિપેરિંગ સિવાય કોઇ નોંધપાત્ર કામગીરી કરી શક્યો નથી.દરમિયાનમાં શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયાં બાદ હેરિટેજ મિલકતોની જાળવણી માટે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટની રચના કરવામાં આવતાં મ્યુનિ.માં હેરિટેજ સેલ અને હેરિટેજ ટ્રસ્ટ એમ બે વિભાગ કાર્યરત થયાં હોવા છતાં હેરિટેજ મિલકતોની જાળવણીનાં કોઇ નક્કર ઉપાયો થઇ શક્યા નથી. હવે અચાનક જ મ્યુનિ. સત્તાધીશોને કોઇ કારણસર વર્લ્ડ હેરિટેજ સિટીનાં દરજ્જાની યાદ આવતાં મ્યુનિ.માં હેરિટેજ સેલમાં ફાળવાયેલાં ૯ જેટલાં કર્મચારીને તાત્કાલિક અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ ખાતે ફાળવી દીધા છે. જોકે આ ફેરબદલથી હેરિટેજ મિલકતોની જાળવણી અને બચાવવાની કામગીરીમાં શું ફેર પડશે તે કોઇ કહી શકતુ નથી.
હેરિટેજ વિભાગનાં સૂત્રોએ જણાવ્યુ હતું કે, વર્ષો અગાઉ ઓકટ્રોય નાબૂદ નથી કરી શૂન્ય કરી છે તેવી રીતે હેરિટેજ સેલને તાળા માર્યા છે, સેલ તો ચાલુ જ છે, પરંતુ તેના થકી શું કામગીરી થશે તે પણ કોઇ કહી શકતુ નથી. હેરિટેજ ટ્રસ્ટમાં હાલ 10 જણાનો સ્ટાફ છે, પરંતુ ટ્રસ્ટ પાસે પણ હેરિટેજ મિલકત બચાવવા માટે કોઇ સત્તા નથી અને મધ્ય ઝોન એસ્ટેટ ખાતા ઉપર આધારિત જ છે, જેને માત્રને માત્ર કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોમાથી કમાણી કરવામાં જ રસ છે. મ્યુનિ.ની ગ્રાન્ટથી ચાલતાં હેરિટેજ ટ્રસ્ટમાં અત્યારે તો પગાર, પ્રચાર અને પ્રોજેકટ પ્રમોશન સિવાય કોઇ કામગીરી થતી નથી. તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે.