અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓની ભરતી શરૂ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. કેમ કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાંથી વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓની માહિતીને 10 નવેમ્બર-2021 સુધીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોનો આંકડો 50000થી વધુ છે. તેમાં રાજ્ય સરકારે વેલિડીટી વધારી દીધી હોવાથી ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોનો આંકડો વધી શકવાની શક્યતા હોવાનું ટેટ પાસ ઉમેદવારોએ જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નહી કરવામાં આવતા ઉમેદવારોએ આરટીઆઇના માધ્યમથી ખાલી જગ્યાઓની માહિતી માંગી હતી. તેમાં સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગત તારીખ 31મી, ઓગસ્ટ-2021ની સ્થિતિએ ધોરણ-1થી 5માં કુલ-8055 અને ધોરણ-6થી 8માં 8273 શિક્ષકોની જગ્યાઓ ખાલી સહિત કુલ-16328 જગ્યાઓ ખાલી હોવાનું માહિતી અધિકારના આધારે માંગેલી માહિતીના જવાબમાં શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.
રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં આટલી જગ્યાઓ ખાલી હોવાથી રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓ પાસેથી ધોરણ-1થી 5 અને ધોરણ-6થી 8ના વિષયવાર શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી તારીખ 1લી, નવેમ્બર-2021ની સ્થિતિએ મંગાવી છે. માહિતીમાં જિલ્લા ફેર બદલી થઇ હોય અને મહેકમ કે અન્ય કારણોસર છુટા થવાના બાકી હોય તેવા શિક્ષકોની પણ માહિતીને આગામી તારીખ 10મી, નવેમ્બર-2021ના રોજ મોકલી આપવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે. ઘણી શાળાઓએ સરકારને માહિતી પણ મોકલી આપી છે. ડિસેમ્બર સુધીમાં ઘણા શિક્ષકો નિવૃત થવાના હોવાથી ખાલી જગ્યાઓ વધશે. (File photo)