પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છતાં ગુજરાતમાં વાહનોના વેચાણમાં સરેરાશ 56 ટકાનો વધારો
અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજીબાજુ વાહનોના વેચાણમાં 56 ટકાનો વધોરો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી ઓટોમોબાઇલના વેચાણને બ્રેક વાગશે તેવી એક શક્યતા હતી પરંતુ ઉલ્ટાનું ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં વાહનોનું વેચાણ પાછલા વર્ષની તુલનાએ 55.79 ટકા વધ્યુ છે. અલબત્ત કહીએ તો સપ્ટેમ્બર 2020માં કુલ 69,244 વાહનોના વેચાણ સામે સપ્ટેમ્બર 2021માં 1,07,872 વાહનોનું વેચાણ થયુ હતું.
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સપ્ટેમ્બરમાં ટ્રેક્ટરના વેચાણને બાદ કરતા અનેક કેટેગરીના વાહનોમાં વધારો થયો છે. કેટેગરી અનુસાર વાહનોનું વેચાણ જોઇએ તો ગુજરાતમાં સૌથી વધુ ચાલતા ટુ વ્હીલર્સના સપ્ટેમ્બર 2020માં 44,400 નંગ વેચાયા હતા તેની સામે સપ્ટેમ્બર 2021મા 61.77 ટકા વધીને 71,828 નંગ વેચાયા છે. જ્યારે 3 વ્હીલર્સનું વેચાણ સપ્ટેમ્બર 2020માં ફક્ત 616 નંગનું થયું હતુ તેની સામે સપ્ટેમ્બર 21માં 343.34 ટકાના વધારા સાથે 2,731 નંગનું થયુ છે.
ઓટોમોબાઈલ સેક્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટુ વ્હીલર્સના વેચાણમાં વધોરો તયો છે. કોરોના બાદ હવે બધા ઉદ્યોગ ધંધાઓ ખુલી ગયા હોવાથી રોજગારી પણ વધી છે. તેના કારણે ટુ વ્હીલર્સના વેચાણમાં વધારો થયો છે. જ્યારે 3 વ્હીલર્સમાં કોરોના બાદ અનેક લોકોએ બેરોજગારીને કારણે વાહન ખરીદીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આ ઉપરાંત કોમર્શિયલ વાહનોનું વેચાણ સપ્ટે. 2020માં 2,546 નંગના સ્તરે હતુ તે સપ્ટે. 21માં 94.58 ટકા વધીને 4,954 નંગનું છે. જ્યારે પ્રાયવેટ વાહનો ફોર વ્હીલરનું વેચાણ સપ્ટે. 2020માં 17,306 નંગની સામે 44.41 ટકા વધીને 24, 992 નંગનું થયુ છે. જોકે ટ્રેક્ટરના વેચાણ પર વિપરીત અસર પડી છે. ટ્રેક્ટરનું વેચાણ સપ્ટે. 2020માં 4,376 નંગનું થયું હતુ તે સપ્ટે. 21માં 23.06 ટકા ઘટીને 3,367 નંગનું થયું છે.
(File photo)