- NTAને પરિણામો જાહેર કરવા સુપ્રીમની લીલી ઝંડી
- સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો
- બે અરજદારોની અરજી પર પુન:વિચારણા કરી શકાય
નવી દિલ્હી: NTAને પરિણામો જાહેર કરવા માટે હવે લીલી ઝંડી મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મુકીને NTAને પરિણામ જાહેર કરવા માટે મંજૂરી આપી છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, દિનેશ મહેશ્વરી અને બીઆર ગવઇની ત્રણ ન્યાયાધીશોની બેંચે આદેશ આપ્યો હતો કે, અમે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે મૂકીએ છીએ. NTA પરિણામો જાહેર કરી શકે છે.
હકીકતમાં, NEET પરીક્ષા દરમિયાન તેમની ટેસ્ટ પુસ્તિકાઓ અને OMR શીટ્સમાં ગડબડીનો આરોપ લગાવીને બે ઉમેદવારોએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અરજદારોએ NTAને પરિણામો જાહેર ના કરવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સુનાવણી દરમિયાન એવું કહ્યું હતું કે, આ મુદ્દે ચોક્કસપણે તપાસ કરી શકાય છે પરંતુ તેનાથી 16 લાખ વિદ્યાર્થીઓના પરિણામને રોકવું અયોગ્ય છે. બેન્ચે અરજી પર ટિપ્પણી કરી હતી કે, અમે નક્કી કરીશું કે બે વિદ્યાર્થીઓનું શું થાય છે, તે પેપર ફરીથી ખોલવામાં આવશે. પરંતુ અમે 16 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ ના રોકી શકીએ.
કેન્દ્ર સરકાર તરફથી પક્ષ રજૂ કરનારા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ દલીલો કરી હતી કે, બે વિદ્યાર્થીઓની વિનંતી કે મૂંઝવણ પર કામ કરવું જોઇએ પરંતુ તેના કારણે અન્ય વિદ્યાર્થીઓના પરિણામો પર રોક લગાવી શકાય નહીં.
નોંધનીય છે કે, NTAને NEET પરીક્ષાના પરિણામો ઉપરાંત અરજદારોની પુન:પરીક્ષાનું પરિણામ જાહેર કરવાનો પણ નિર્દેશ અપાયો હતો.