- સ્માર્ટફોનમાં પણ વર્ચ્યુઅલ રેમનું છે મહત્વ
- તે આ રીતે થાય છે ઉપયોગી
- જાણો શું હોય છે વર્ચ્યુઅલ રેમ
નવી દિલ્હી: સ્માર્ટફોનની ખરીદી સમયે બેટરી બેકઅપ, કેમેરો, મેમરી જેવી અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત જે એક બાબત પર વધુ ધ્યાન આપવાનું રહે છે તે છે રેમ. રેમ અને ઇન્ટરનલ મેમરી પણ ફોનની ખરીદી સમયે મહત્વનો ભાગ ભજવે છે. આજના સમયમાં લોકો વધુ રેમ તેમજ સ્ટોરેજ ધરાવતો ફોન લેવાનું પસંદ કરે છે. આજકાલ માર્કેટમાં વર્ચ્યુઅલ રેમ વાળા સ્માર્ટફોન પણ આવી રહ્યાં છે અને તે પણ ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યાં છે. હવે અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે વર્ચ્યુઅલ રેમ શું હોય છે?
વર્ચ્યુઅલ રેમ ઇન્ટરનલ સ્ટોરેજના એક હિસ્સાને રેમના કામ માટે અલગ રાખે છે. એટલે કે તેને રિઝર્વ રાખે છે. જ્યારે તમારા ફોનમાં ઉપલબ્ધ રેમને વધુ રેમની જરૂર પડે છે ત્યારે તમારો ફોન વર્ચ્યુઅલ રેમ અર્થાત્ રિઝર્વ રેમનો ઉપયોગ કરે છે.
અહીંયા વિશેષતા એ છે કે, વર્ચ્યુઅલ રેમ મેન્યુઅલ નથી હોતી, તેથી તમારે કંઇ જ કરવાની જરૂર રહેતી નથી. જ્યારે પણ તમે એક સાથે અનેક એપ્સ પર કામ કરશો ત્યારે જરૂરિયાત પડે ત્યારે તમારો ફોન પોતાની રીતે જ વર્ચ્યુઅલ રેમનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશે.
જો કે કેટલાક નિષ્ણાંતોના મતે વર્ચ્યુઅલ રેમ ફિઝિકલ રેમ જેવુ પરફોર્મન્સ નથી આપી શકતી. તેની સ્પીડ થોડી ઓછી હોય છે. ફિઝિકલ રેમ ધરાવતા સ્માર્ટફોનનું પરફોર્મન્સ વધારે બહેતર હોય છે. જો કે એક વાત ચોક્કસપણે માની શકાય કે જરૂરિયાત પડે ત્યારે વર્ચ્યુઅલ રેમ ખૂબ જ ઉપયોગી બને છે.