- તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક તો નથી થયું ને?
- એ જાણવા માટે અનેક ઉપાયો છે
- આ ટિપ્સ ફોલો કરો અને તમારું વોટ્સએપ હેક થયું છે કે નહીં તે જાણો
નવી દિલ્હી: આજના આ ડિજીટલ યુગના દોરમાં પ્રાઇવસી સૌથી મહત્વની બાબત છે. પ્રાઇવસી એક ચર્ચિત અને ગંભીર મુદ્દો જોવા મળી રહ્યો છે. આજના આ ટેક્નોલોજીના જમાનામાં શું આપણા સ્માર્ટફોનનો અંગત ડેટા શું માત્ર આપણા સુધી જ સીમિત છે કે પછી કોઇ અન્ય પાસે પણ આપણો ડેટા છે? શું આપણા અંગત ડેટાનો દૂરુપયોગ થઇ રહ્યો છે? આજે વિશ્વભરમાં 2 અબજથી પણ વધુ યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે ત્યારે હેકર્સ પણ સમયાંતરે કોઇને કોઇ બગ કે ટેકનિકથી તમારા વોટ્સએપ એકાઉન્ટને હેક કરીને ડેટાનો સફાયો કરી નાખતા હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે શું બીજુ કોઇ તો તમારું વોટ્સએપ એકાઉન્ટ એક્સેસ નથી કરી રહ્યું ને?
ચાલો તેના વિશે વાંચીએ જેનાથી તમારા વોટ્સએપ એકાઉન્ટને અન્ય કોઇ ઉપયોગ કરે છે કે કેમ તે જાણી શકાશે. આ જાણવા માટે તમારે સૌથી પહેલા તો તમારી વોટ્સએપ એક્ટિવિટીને ચેક કરવી પડશે.
જો કોઇ બીજા વ્યક્તિ પાસે તમારા વોટ્સએપ એકાઉન્ટનું એક્સેસ હશે તો તમે મેસેજ અથવા વોટ્સએપ પર કરવામાં આવેલા કૉલ હિસ્ટ્રીના માધ્યમથી પણ આ અંગે જાણી શકો છો. જો તમને તમારા વોટ્સએપ પર કોઇ એવો શંકાસ્પદ મેસેજ નજરે આવતો હોય જે તમે ના મોકલ્યો હોય તો બની શકે કે તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થઇ ચૂક્યું છે.
તમે તમારા કોન્ટેક્ટ ડિટેલ્સને જોઇને પણ આ વિશે જાણી શકો છો. મોટા ભાગે હેકર્સ એકાઉન્ટને હેક કરીને કોન્ટેક્ટ ડિટેલ્સ બદલી નાખે છે. જો તમારા કોન્ટેક્સ વિગતોમાં કોઇ બદલાવ જોવા મળી રહ્યો છે, તો અર્થ એ છે કે વોટ્સએપ એકાઉન્ટ હેક થઇ ચૂક્યું છે. તે ઉપરાંત તમે મેનૂબારમાં લિંક્ડ ડિવાઇઝ ઑપ્શન પર ક્લિક કરીને પણ આ વાત વિશે જાણી શકો છો.
જો તમે તમારા વોટ્સએપને હેકર્સથી સુરક્ષિત રાખવા ઇચ્છો છો તો સૌ પ્રથમ પોતાના એકાઉન્ટમાં Two-Factor Authenticationના ઑપ્શનને ઑન કરવાનો રહેશે. આ ફીચર ઑન કરવાથી જ્યારે પણ કોઇ ડિવાઇઝ પર લોગ ઇન કરશે તો તેના પર પિન દાખલ કરવાની માંગ કરાશે જેથી તમારું એકાઉન્ટ હેક નહીં થઇ શકે.