- ઈઝરાયલના નવા પીએમ આવી શકે છે ભારત
- પીએમ મોદીએ આપ્યું ભારત આવવાનું આમંત્રણ
- ટેક્નોલોજી અને ઈનોવેશન ક્ષેત્રે સહકાર વધવાની સંભાવના
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COP26 દરમિયાન વિશ્વના અનેક નેતાઓ સાથે વાત કરી હતી, આ દરમિયાન તેઓ ઈઝરાયલના નવા વડાપ્રધાન નફતાલી બેનેટને પણ મળ્યા હતા. પીએમ મોદીની ઈઝરાયલના વડાપ્રધાન સાથે આ પહેલી ઔપચારિક મુલાકાત હતી. બંન્ને નેતાઓની આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઈઝરાયલના વડાપ્રધાનને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું. ઈઝરાયલના મીડિયા અનુસાર નફતાલી બેનેટ આવતા વર્ષે ભારત આવી શકે છે.
મહત્વનું છે કે બંને દેશો વચ્ચે ઉચ્ચ ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં સહયોગને વધુ વધારવા પર સહમતિ સધાઈ હતી. બંને નેતાઓએ તેમની વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી.
બંને નેતાઓની મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, “અમારા વ્યૂહાત્મક ભાગીદાર સાથે સંબંધોને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્લાસગોમાં તેમના ઈઝરાયલી સમકક્ષને મળ્યા. તેમની આવી પ્રથમ બેઠકમાં બંને નેતાઓએ અમારા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને ઉચ્ચ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં પરસ્પર સંબંધોને વધુ વધારવા માટે સંમત થયા હતા.
આવતા વર્ષે ભારત અને ઇઝરાયલ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 30 વર્ષ પૂરા થશે તે યાદ કરતાં પીએમ મોદીએ બેનેટને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભારત અને ઈઝરાયલ વચ્ચેના ગાઢ સંબંધો અંગે બેનેટે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો કોઈ સ્વાર્થથી નહીં પણ હૃદયથી છે. તેમણે વડાપ્રધાન મોદીને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી.