ચીનમાં લોકોને જીવન જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે નોટિસ જાહેર કરાઇ, જાણો શું છે કારણ?
- ચીનમાં આગમચેતી તરીકે લોકોને વસ્તુઓનો સંગ્રહ કરવા નોટિસ જારી કરાઇ
- આ બાદ અનેક સુપરમાર્કેટની બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી
- અનેક જગ્યાએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો
નવી દિલ્હી: ચીનમાં ઇમરર્જન્સીની સ્થિતિને લઇને હવે ચીને પોતાના નાગરિકોને દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક કરી લેવા કહ્યું છે. ચીનની આ અપીલ બાદ હવે ચીનમાં દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાને ગ્રાહકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ચીનના ઘણા વિસ્તારોમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓની હવે અછત જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચીનના વાણિજ્ય મંત્રાલયે લોકોને કહ્યું કે, તેઓ ઇમર્જન્સનીની સ્થિતિને મામલે દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક કરી રાખે. કોરોના રોગચાળો અને અસામાન્ય રીતે ભારે વરસાદની સંભાવનાઓને જોતા શાકભાજી અને અન્ય ઉત્પાદનની કિંમતોમાં વધારાની શક્યતા છે.
આ સમાચાર આવ્યા બાદ ચીનના અનેક વિસ્તારોમાં લોકો સુપરમાર્કેટમાં ખરીદી કરવા માટે ઘસારો કરવા લાગ્યા છે. અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક સ્ટોરમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આઉટ ઑફ સ્ટોક છે. સ્થાનિક વહીવટી તંત્ર માટે આ સપ્લાય ચેઇનને જાળવી રાખવાનો પડકારો જોવા મળી રહ્યો છે. લોકોમાં અફરા-તફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આ આદેશનો ઉદ્દેશ્ય એ માટે હતો કે, જો તેમના ક્ષેત્રમાં લૉકડાઉન થાય તો લોકોને ઘરમાં કોઇ વસ્તુની અછત ના પડે. મંત્રાલય દર વર્ષે આ પ્રકારની નોટિસ જાહેર કરે છે, પરંતુ આ વખતે કોરોના રોગચાળો, કુદરતી આપત્તિઓ તેમજ શાકભાજીની કિંમતોમાં તેજીને જોતા વહેલી નોટિસ જારી કરવાની નોબત આવી છે.