રાજકોટઃ જિલ્લાના ગોંડલ તથા વિંછીયા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 4 શખ્સોને રૂરલ એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને ટીમે બે દરોડા પાડી ઝડપી લઇ હથિયારોના સપ્લાયર,વેચનારા અને ખરીદનારા સામે આર્મ્સ એકટ હેઠળ ગુના નોંધ્યા છે. પકડાયેલા ત્રણ શખ્સો વચેટિયા તરીકે કામ કરતા હતા જયારે પકડાયેલ મુખ્ય સુત્રધાર 20 વર્ષનો છે અને તે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર વેચવાનું મોટું રેકેટ ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે રાજકોટ રૂરલ એસ.ઓ.જીની ટીમે આરોપીઓને રિમાન્ડ પર લઈને પુછપરછ શરૂ કરી છે. મુખ્ય સૂત્રધાર ઘોડા લે-વેચનું કામ કરતો હોય તે પંજાબથી આ હથિયારો મંગાવીને એજન્ટો દ્વારા વેચતો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમી મળી હતી કે, ગોંડલમાં આવેલા વછેરાના વાડા નજીક અલખ ચબુતરા પાસે સાવન શીવરાજ ચૌહાણ (ઉ.વ.28) તથા તેનો ભાગીદાર ઉત્સવ મહેન્દ્ર ગોહેલ (ઉ.વ.21) પાસે ગેરકાયદેસર હથિયાર વેચવા ઊભા હોય જેના આઘારે દરોડો પાડતા તેની પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી. સાવન ચૌહાણ તથા તેનો ભાગીદાર ઉત્સવ ગોહિલ સાથે દરોડા વખતે સ્થળ ઉપર થી અન્ય એક શખ્સ મળી આવ્યો હતો જે ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગીરદેવડી ગામનો વિશાલ પ્રતાપ મોરી ( ઉ.વ.24) હોવાનું ખુલ્યું હતું ત્રણેયની પુછપરછ કરતા જાણવા મળ્યું કે સાવન ચૌહાણ તથા તેનો ભાગીદાર ઉત્સવ ગોહિલ બન્ને મળી ગીરદેવડી ગામના વિશાલ મોરીને આ હથિયાર વેચવા આવ્યા હતા વિશાલ આ પિસ્તોલ ખરીદવા આવ્યો હતો.ત્રણેયની ધરપકડ કરી પુછપરછ કરતા સાવન ચૌહાણ તથા ઉત્સવે આ પિસ્તોલ ઘોડા લે-વેચનું કામ કરતા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામના કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી ખરીદ કરી હોવાનું જણાવ્યું હતું, કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા હાલ વિછીયા તરફ હોવાની માહિતી મળી હતી.
રાજકોટ રૂરલ એસ.ઓ.જીની ટીમે પકડાયેલા આરોપીઓની વિશેષ પુછપરછ કરી આ ગેરકાયદેસર હથિયારની હેરાફેરીના મુળ સુધી પહોંચવા એસ.ઓ.જી.ની એક ટીમને તાત્કાલીક વિછીયા વિસ્તારમાં મોકલતા વિંછીયાથી બોટાદ રોડ પર આવેલ માંડવ રાયજી હોટેલ પાસેથી કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભાને ઝડપી લઇ તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી વધુ (એક) ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા એસ.ઓ.જીની ટીમે આ અંગે બીજો ગુન્હો વિંછીયા પો.સ્ટે.માં નોંધવાની તજવીજ કરી કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા તેમજ સાવન શીવરાજ ચૌહાણ,ઉત્સવ મહેન્દ્ર ગોહિલ,વિશાલ પ્રતાપ મોરીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરુ કરી છે.એસ.ઓ.જીએ દેશી બનાવટની 2 પિસ્ટલ રૂ.20,000,કાર્ટીઝ નંગ- 4, કિ.રૂ.400, મોટર સાયકલ નંગ-1 કિ.રૂ.40,000,5 મોબાઇલ ફોન કિ.રૂ.60,000 મળી કુલ રૂ.1,20,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.