ફટાકડાં વગર પણ બિજિંગમાં દિલ્હી જેવું પ્રદૂષણ, અનેક બિલ્ડિંગો પ્રદૂષણની ચાદરમાં લપેટાઇ
- ચીનના બિજિંગમાં ભયજનક સ્તરે પ્રદૂષણ
- શહેરની સૌથી ઊંચી બિલ્ડીંગ પ્રદૂષણની ચાદરમાં ખોવાઇ ગઇ એવું લાગે છે
- કેટલાક વિસ્તારોમાં તો વિઝિબિલિટી 200 મીટરની પણ રહી નહોતી
નવી દિલ્હી: ભારતમાં દિલ્હીને સૌથી વધુ પ્રદૂષિત શહેર માનવામાં આવે છે ત્યારે ચીનની રાજધાની બિજિંગ પણ હંમેશા પ્રદૂષિત જોવા મળે છે. બિજિંગ પણ પ્રદૂષણના કારણે હેરાન પરેશાન છે.
અત્યારે જ્યારે ભારતમાં દિવાળી પર્વને કારણે ફટકાડાં ફોડવાથી દિલ્હીમાં જે રીતે પ્રદૂષણ જોવા મળ્યું છે એ જ રીતે બિજિંગમાં તો દિવાળીની ઉજવણી પણ નથી થઇ અને ફટાકડા પણ ફૂટ્યા નથી છતાં ત્યાં ભયજનક સ્તરે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. ચીનમાં પ્રદૂષણની ચાદરે જાણે બિજિંગને ઢાંકી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
કેટલાક વિસ્તારોમાં તો વિઝિબિલિટી 200 મીટરની પણ રહી નહોતી. તેના પગલે કેટલાક હાઈવે બંધ કરી દેવામાં આવ્યા હતા.ઉપરાંત પ્રદુષણ ઘટાડવા સરકારે ફેકટરીઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.બાળકોને પ્રદુષણથી બચાવવા માટે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
બિજિંગમાં વાયુની ગુણવત્તા એટલી હદે કથળી ગઇ હતી કે શહેરની સૌથી ઊંચી બિલ્ડીંગ પ્રદૂષણની ચાદરમાં જાણે ખોવાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું હતું. દિલ્હીમાં જે રીતે આજુબાજુ ખેતરોમાં પરાળી સળગાવવાથી જે રીતે પ્રદૂષણ થાય છે તે જ રીતે સતત વધતા ઔદ્યોગિકીકરણથી બિજિંગમાં પ્રદૂષણ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે, સરકારે બિજિંગમાં ઠેર ઠેર હવા શુધ્ધ કરવાના પ્લાન્ટ પણ સ્થાપ્યા છે .કદાચ આગામી સપ્તાહે સાઈબિરિયાથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે બિજિંગને પ્રદુષણથી રાહત મળે તેવી શક્યતાઓ છે.