અમદાવાદઃ રાજ્યભરમાં લોકોએ નૂતન વર્ષને હર્ષોલ્લાસથી આવકારીને નવુ વર્ષ સુખદાયી નિવડે તે માટે એકબીજાને શુભેચ્છા આપી હતી.આજે બેસતા વર્ષના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહીબાગ એનેક્ષી ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. એનેક્ષી ખાતે હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીએ શાહીબાગ IPS મેસમાં રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ પૂર્વ પોલીસ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસવડા તેમજ અન્ય IPS અધિકારીઓએ પણ મુખ્યમંત્રીને મળી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજયના પોલીસ વડા તેમજ IPS અધિકારીઓ સાથે તેઓએ બપોરનું ભોજન પણ IPS મેસમાં લીધું હતું.
રાજ્યમાં દરવર્ષે નૂતન વર્ષ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે, ગત વર્ષે કોરોના મહામારીના કારણે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ન હતો. આ વર્ષે શાહીબાગ IPS મેસમાં યોજાયેલા નૂતન વર્ષ મિલન સમારોહમાં રાજય પોલીસ વડા આશિષ ભાટિયા, ગૃહ સચિવ પંકજકુમાર, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા વીરેન્દ્રસિંહ યાદવ સહિત અમદાવાદ શહેરના તમામ સિનિયર અને જુનિયર IPS અધિકારીઓ હાજર રહી મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ પણ પોલીસના તમામ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપી તેઓની સાથે બપોરનું ભોજન લીધું હતું. IPS મેસમાં કરવામાં આવેલી રંગોળી પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.
શહેરના એનેક્સી ખાતે યોજાયેલા નૂતન વર્ષ સ્નેહ મિલનમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. મુખ્યમંત્રી પણ એક કલાક જેટલો સમય ઊભા રહીને એક બાદ એક અનેક કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. ગત વર્ષે કોરોના ને કારણે સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો ન હતો અને આ વર્ષે નવા મુખ્યમંત્રી હોવાને કારણે મોટી સંખ્યામાં કાર્યકરો લાઇનમાં ઉભા રહીને મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા આવ્યા હતા. મુખ્યમંત્રી સાથે અન્ય મંત્રી પ્રદીપ પરમાર, જગદીશ પંચાલ , સાંસદ કિરીટ પરમાર, મેયર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.