અમદાવાદઃ ગુજરાતમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ તહેવારોમાં પ્રવાસન સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. અમદાવાદમાં જોવાલાયક સ્થળો પૈકીના એક એવા કાંકરિયા લેકફ્રન્ટની 3 દિવસ દરમિયાન 1.25 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલયમાં 75 હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. કોરોના મહામારીને પગલે બે વર્ષથી લોકો ઘરની હજાર જઈ શક્યાં ન હતા. જો કે, દિવાળીના તહેવારોમાં સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણો સાથે કેટલીક છૂટછાટ આપી છે. જેથી પ્રવાસન સ્થળો ઉપર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ડ ઉપર કાંકરિયા લેક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ દિવાળીમાં તહેવારોમાં આ બંને સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. તા. 5મી નવેમ્બરના રોજ કાંકરિયા લેક ફ્રન્ટની 53 હજાર, પ્રાણી સંગ્રહાલયની 25 હજાર, તા. 6 નવેમ્બરના રોજ કાંકરિયા લેક ફ્રન્ટની 63 હજાર અને પ્રાણી સંગ્રહાલયની 29 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તા. 7મી નવેમ્બરના રોજ કાંકરિયા લેકફ્ન્ડની અંદાજે 50 હજાર તથા પ્રાણી સંગ્રહાલયની 20 હજારથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. કાંકરિયા હવે માત્ર અમદાવાદ જ નહીં પણ બહારથી આવતા દરેક ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકો પોતાના પરિવાર સાથે બાલવાટિકા પ્રાણીસંગ્રહાલાય બટરફલાય પાર્ક- સહિતના આકર્ષણોની મજા માણે છે. કોરોના કાળમાં બે વર્ષ સુધી લોકોએ તહેવાર ઉજવ્યો ન હોવાથી લોકો આ વર્ષે મન મુકીને આનંદ કરી રહ્યા છે.