અમદાવાદઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે અન્ય ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થતાં મોંઘવારીને લીધે લોકોની હાલત કફોડી બની ગઈ હતી. દરમિયાન દેશમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીઓમાં ભાજપને હાર મળતાં પરિણામના બીજા દિવસે પટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા લોકોને ખૂબ રાહત મળી છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં પણ ઘટાડો કરવાની માગ ઉઠી છે. ગયા મહિનામાં સતત સીએનજીના ભાવમાં વધારો થયા બાદ સીએનજીના ભાવમાં પણ ઘટાડો થાય તેવા પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બીજી તરફ સીએનજીના ભાવમાં થયેલા વધારાના કારણે રિક્ષા ચાલકો દ્વારા તેમાં ઘટાડો કરવામાં આવે તેવી માગણી સાથે હડતાળ પર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સીએનજીના ભાવમાં 10 મહિનામાં 13 રૂપિયાનો જંગી વધારો થયો હોવાનું કહીને રિક્ષા ચાલકો દ્વારા પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજીના ભાવમાં પણ ઘટાડો થાય તે અંગે સરકારે વિચારવું જોઈએ તેવી માંગ કરી છે. જો આ કમરતોડ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો હડતાળ કરવાની પણ ચિંમકી રાજ્યના રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રિક્ષા ચાલકોએ માંગ કરી છે કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય સરકાર લઈ શકે છે તો આવો નિર્ણય સીએનજી મામલે શા માટે લેવાતો નથી?
પોતાની વિવિધ માગણીઓની રજૂઆત કરીને રિક્ષાચાલક સંગઠનની 10મી નવેમ્બરે બેઠક થવાની છે. આ બેઠકમાં મહત્વની ચર્ચા થશે અને તે બાદ આગામી દિવસોમાં શું કરવું તે અંગે કેટલાક નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકમાં 15 અને 16 નવેમ્બરે રાજ્યભરમાં રિક્ષાના પૈડાં થંભી જવા અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
રિક્ષાચાલક એસોના સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવેલી માગણીઓમાં રિક્ષાચાલકોના બાળકોની સ્કૂલ ફી માફ કરવામાં આવે, સીએનજીમાં કરેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તે સહિતની વિવિધ માગણી કરવામાં આવી છે. ચાલુ અઠવાડિયાની મધ્યમાં રાજ્યના રિક્ષાચાલક સંગઠનના આગેવાનો એક થઈને સીએનજીના ભાવમાં સતત ઝીંકાતા વધારાને લઈને બેઠક કરીને મહત્વનો નિર્ણય લઈ શકે છે. બીજી તરફ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લેવાતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા ભાવમાં ઘટાડો થયો છે. આજ રીતે સીએનજી અંગે નિર્ણય લેવામાં આવે તેવી રિક્ષાચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.