ક્લાઇમેટ ચેન્જની અસર, કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો
- વિશ્વમાં વધી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ
- કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો
- એક મહિલા ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડ્યા હોવાનો દાવો
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સતત વધતા ઔદ્યોગિકીકરણ અને પ્રદૂષણને કારણે ક્લાઇમેટ ચેન્જ એક ગંભીર સમસ્યા તરીકે સામે આવી છે. હવે તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેનેડામાં ક્લાઇમેટ ચેન્જના પહેલા દર્દી સામે આવ્યા છે. મહિલાને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ પડી રહી છે. ડૉક્ટરો અનુસાર, તેના માટે લૂ અને હવાની ખરાબ ગુણવત્તા જવાબદાર હોઇ શકે છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયાના રહેવાસી હાલમાં અસ્થા સામે લડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કન્સલટિંગ ડૉક્ટર કેલી મેરિટે 10 વર્ષમાં પહેલી વખત કોઇ દર્દીના ડાયગ્નોસિસમાં ક્લાઇમેટ ચેન્જ શબ્દનો ઉપયોગ કર્યો છે. કેનેડાના મીડિયા અહેવાલ અનુસાર જ્યાં એક તરફ ઘણા દેશો અત્યારે કોવિડ મહામારી સામે લડત આપી રહ્યા છે ત્યારે કેનેડા છેલ્લા કેટલાક મહિનાથી કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે ઝઝુમી રહ્યું છે.
જૂનમાં કેનેડાના લોકોને અત્યાર સુધીની સૌથી ખરાબ હીટવેવનો સામનો કરવો પડ્યો. જેને પગલે જંગલોમાં આગ લાગી અને ધૂમાડાથી હવાની ગુણવત્તા ખરાબ થઈ. 70 વર્ષથી વધુ ઉંમરની મહિલા પણ એ સ્થિતિનો શિકાર બની અને હવે અસ્થમા સામે ઝઝૂમી રહી છે. ડોક્ટરનું કહેવું છે કે, મહિલા હાઈડ્રેટેડ રહેવાનો પ્રયાસ કરી રહી છે, કેમકે ગરમી અને લૂએ તેના આરોગ્ય પર નકારાત્મક અસર કરી છે.
નોંધનીય છે કે, દર્દીના લક્ષણની સારવાર એ કોઇ અંતિમ સમાધાન નથી, તેની પાછળના કારણોને ઓળખવાની તેમજ તેને ઉકેલવાની પણ જરૂર છે. બ્રિટિશ કોલંબિયામાં જૂનમાં ગરમીથી 500 લોકોનાં મોત થયા હતા. લૂની ઝપેટમાં આવવાથી અમેરિકામાં પણ અનેક લોકો મોતને ભેટ્યા હતા.