તાલિબાનના વિદેશ મંત્રી પાકિસ્તાનની ત્રણ દિવસીય મુલાકાતે,અર્થવ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર કરશે ચર્ચા
- તાલિબાનના વિદેશમંત્રી પાકિસ્તાનના પ્રવાસે
- આમિર ખાન મુત્તાકી ત્રણ દિવસીય પ્રવાસ પર
- અર્થવ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર કરશે ચર્ચા
દિલ્હી :અફઘાનિસ્તાન પર કાબિજ તાલિબાન સરકારે કબજો મેળવી લીધો છે જે તાલિબાની સરકારના અંતરિમ વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી બુધવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. આમિર ખાન મુત્તાકી પાકિસ્તાનના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. ઓગસ્ટમાં તાલિબાન દ્વારા અફઘાન સત્તા પર કબજો મેળવ્યા બાદ વિદેશ મંત્રી મુત્તાકી બંને દેશો વચ્ચેના સંબંધોને નવેસરથી બનાવવા ઈસ્લામાબાદ આવ્યા છે. નાણા સલાહકાર અબ્દુલ રઝાક દાઉદ અફઘાનિસ્તાન માટે પાકિસ્તાનના વિશેષ પ્રતિનિધિ મોહમ્મદ સાદિક અને વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઈસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસમાં તાલિબાનના પ્રતિનિધિ સાકિબ અહેમદ પણ હાજર રહ્યા હતા.
તાલિબાનના વિદેશ મંત્રી એવા સમયે આવે છે જ્યારે પાકિસ્તાન ચીન, રશિયા અને અમેરિકાના વિશેષ પ્રતિનિધિઓ સાથે અફઘાનિસ્તાન પર ટ્રોઇકા પ્લસ બેઠક યોજી રહ્યું છે. આ બેઠક ગુરુવારે એટલે કે આજે યોજાવાની છે અને મુત્તાકી આ દેશોના વિશેષ પ્રતિનિધિઓને મળવાની આશા છે. મુત્તાકી અહીં 20-સભ્યના ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની સાથે આવ્યા છે જેમાં નાણામંત્રી હિદાયતુલ્લાહ બદરી, ઉદ્યોગ અને વેપાર મંત્રી નુરુદ્દીન અઝીઝ અને ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ બંને દેશો વચ્ચેના સંબંધો વધારવા, અર્થવ્યવસ્થાના વિસ્તરણ, શરણાર્થીઓ અને લોકોની અવરજવર માટેની સુવિધાઓ અંગે ચર્ચા કરશે.
ત્રણ દિવસની મુલાકાત દરમિયાન અફઘાન વિદેશ મંત્રી તેમના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમૂદ કુરેશી અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશી 21 ઓક્ટોબરે અફઘાનિસ્તાન ગયા હતા. કાબુલની મુલાકાત બાદ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ જણાવ્યું હતું કે, તેમણે મુતાકીને આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેનો સ્વીકાર કર્યો હતો.