ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ સહિતના રાજકીય પક્ષોને પરાસ્ત કરવા કોંગ્રેસે ઘડી રણનીતિ
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખીને રાજ્યભરમાં રેલીઓ અને સભાઓ કરી રહી છે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવા અને મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવા અને મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરી છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર ઉત્તરપ્રદેશમાં મોંઘવારીની વિરોધમાં 32240 કિમીની પદયાત્રા કરવામાં આવશે. આ પદયાત્રા સમગ્ર 403 બેઠકોમાં યોજવામાં આવશે. આ ઉપરાંત મોટા શહેરોમાં સભા અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં 5000 જેટલી નુક્કડ સભાઓનું આયોજન કરવામાં આવશે. પર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જન્મ દિવસ એટલે કે 14મી નવેમ્બરથી ભાજપ હટાઓ મોંઘવારી ભગાવોના સ્લોગન સાથે પદયાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ યાત્રા તા. 24મી સુધી ચાલુ રહેશે. વિધાનસભાની એક બેઠકમાં ઓછામાં ઓછી 10 કિમીની યાત્રા નીકાળવાની રણનીતિ તૈયાર કરી છે.
ઉત્તરપ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ વિશ્વવિજય સિંહે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી સમગ્ર રાજ્યમાં મોટી રેલીઓ યોજશે. જેમાં તેઓ મોંઘવારી અને ઉત્તરપ્રદેશના સામાન્ય મુદ્દાઓ અંગે લોકોને જાગૃત કરાશે. કોંગ્રેસ રેલીઓ, સભાઓ અને નુક્કડ સભાઓ મારફતે સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. વિધાનસભાની બેઠકને ચાર ભાગમાં વહેંચીને યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાનસભા બેઠકના વિસ્તારમાં 80 કિમીની યાત્રા યોજાશે. તેમજ રાજ્યમાં 24180 જેટલી ગ્રામ્યસ્તરની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
(Photo-Social Media)