1. Home
  2. ગુજરાતી
  3. કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ વડાપ્રધાનના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી
કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ વડાપ્રધાનના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી

કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ વડાપ્રધાનના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી

0
Social Share
  • ‘હર ઘર દસ્તક’અભિયાનની સમીક્ષા
  • પુખ્ત વયના લોકો માટે બીજો ડોઝ સુનિશ્ચિત કરવા પર ભાર
  • રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરતા મનસુખ માંડવિયા

“દેશમાં કોવિડ-19ની રસી લેવા માટે પાત્રતા ધરાવતા એકપણ નાગરિક રસીના ‘સુરક્ષા કવચ’થી વંચિત ના રહી જાય તે માટે ચાલો સૌ સાથે મળીને સહકારપૂર્ણ અને બહુ-હિતધારક પ્રયાસો દ્વારા સંયુક્ત રીતે સૌનું રસીકરણ સુનિશ્ચિત કરીએ. ચાલો, દેશના દરેક ખૂણા અને પરિવાર સુધી પહોંચીએ અને લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ રસીના બંને ડોઝ લેવા માટે પ્રેરિત કરીએ.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભરત પ્રવીણ પવારની ઉપસ્થિતિમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા બેઠક યોજી ત્યારે આ શબ્દો કહ્યા હતા. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે સ્થાનિક સ્તરે હાથ ધરવામાં આવેલા જાહેર આરોગ્યના પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ વીણા જ્યોર્જ (કેરળ), ડૉ. ધનસિંહ રાવત (ઉત્તરાખંડ), બન્ના ગુપ્તા (ઝારખંડ), ડૉ. લાલ થાંગલિયાના (મિઝોરમ), મંગલ પાંડે (બિહાર), ડૉ. કે. સુધાકર (કર્ણાટક), રાજેશ ટોપે (મહારાષ્ટ્ર), ડૉ. પ્રભુરામ ચૌધરી (મધ્યપ્રદેશ), જય પ્રતાપ સિંહ (ઉત્તરપ્રદેશ), મા સુબ્રમણ્યમ (તમિલનાડુ), વિશ્વજીત રાણે (ગોવા), ઋષિકેશ ગણેશભાઈ પટેલ (ગુજરાત), કેશબ મહંતા (આસામ), સત્યેન્દ્ર જૈન (દિલ્હી) આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ, તમામ રાજ્યોના અગ્ર સચિવો/અધિક મુખ્ય સચિવો/મિશન નિયામકો (NHM) પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં પુખ્તવયની વસ્તીમાંથી હાલમાં 79% લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ જ્યારે પાત્રતા ધરાવતી 39% વસ્તીએ રસીના બંને ડોઝ લઇ લીધા છે. કોવિડ-19ની રસીના બીજા ડોઝ માટે 12 કરોડ કરતાં વધારે લાભાર્થીઓને રસી આપવાની બાકી હોવાની નોંધ લેતા તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓને અનુરોધ કર્યો હતો કે, પુખ્ત વયની તમામ વસતીને હાલમાં ચાલી રહેલા ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ રસીનો પ્રથમ ડોઝ આપવાનું સુનિશ્ચિત કરવામાં આવે જ્યારે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમને પણ બીજો ડોઝ લેવા માટે પ્રેરિત કરવામાં આવે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધારે મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીએ સૂચવેલી મોપ-અપ વ્યૂહરચનાઓનો પુનરુચ્ચાર કર્યો હતો. આ વ્યૂહરચનામાં ગામડાંઓમાં અગાઉથી પ્રચાર ટોળી નિયુક્ત કરવાનું સામેલ છે, જે જાગૃતિ અભિયાનો ચલાવાની સાથે સાથે રસી માટે લાયકાત ધરાવતી વસ્તીનું એકત્રીકરણ કરશે અને તેમને રસી અંગે સલાહસુચન આપવાનું સુનિશ્ચિત કરશે, ત્યારબાદ રસીકરણ ટોળી પાત્રતા ધરાવતા તમામ નાગરિકો પહેલા અને બીજા ડોઝ દ્વારા તેમનું રસીકરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી ઉપાડશે. સમીક્ષા બેઠક દરમિયાન ડૉ. મનસુખ માંડવિયાએ લક્ષિત વિસ્તારમાં નિશ્ચિત સમયમર્યાદામાં 100% કવરેજ સુનિશ્ચિત કરવા માટે બહુવિધ રસીકરણ ટીમો (50-100)ની વ્યૂહરચના; કોવિડ-19 રસીકરણની પ્રેરિત પ્રગતિ માટે પ્રત્યેક 24 કલાકમાં મહત્તમ સંખ્યામાં રસીના ડોઝ આપતી રસીકરણ ટીમો (જિલ્લા અને તાલુકા સ્તરે)ને ઓળખવા અને તેમને સન્માનિત કરવા માટે રેન્કિંગના વ્યવસ્થાતંત્રનો વિકાસ; લોકોમાં જાગૃતિ લાવવા અને રસીકરણ સેવાઓ પૂરી પાડવા માટે સ્થાનિક સાપ્તાહિક બજારો અને હાટનો ઉપયોગ; સ્થાનિક ધાર્મિક અને સમુદાયના નેતાઓ સાથે સહયોગ; ગામ/શહેરી વિસ્તારોમાં રસી લીધા વગરના લોકોને પ્રોત્સાહિત કરવા માટે CSO, NGO, NSS, NYK વગેરેનો સંપર્ક; રસી વિરોધી અફવાઓનો અસરકારક રીતે સામનો કરવા માટે મલ્ટીમીડિયા IEC જાગૃતિ અભિયાનો; સમાન વ્યૂહરચના અપનાવવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉચ્ચ કવરેજ ધરાવતા જિલ્લાઓ દ્વારા અનુસરવામાં આવતા નવીન અભિગમો અને પ્રથાઓનું અનુકરણ કરવા પર ભાર મૂક્યો હતો. લોકોના આચરણમાં પરિવર્તન લાવવા માટે બાળકો શ્રેષ્ઠ એમ્બેસેડર બની શકે છે તે બાબતની નોંધ લેતા, તેમણે વિનંતી કરી હતી કે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ સંપૂર્ણ રસીકરણના સંદેશને આગળ ધપાવવા બાળકો સાથે જોડાવું જોઇએ. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “બાળકોને તેમના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોને રસીના બંને ડોઝ લેવા માટે પ્રેરિત કરવા દો.”

રાજ્યોના આરોગ્ય મંત્રીઓએ કોવિડના વ્યવસ્થાપન માટે રસી, દવાઓ, નાણાંકીય અને ટેકનિકલ સંસાધનો પૂરાં પાડવા બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને નબળું પ્રદર્શન કરી રહેલા જિલ્લાઓમાં રસીકરણની સંખ્યા ટોચે લઇ જવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ નવતર પગલાંઓ વિશે પણ માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. ડૉ. માંડવિયાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખૂબ જ ઉત્સાહપૂર્ણ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને અનુરોધ કર્યો હતો કે, અન્ય રાજ્યો દ્વારા હાથ ધરવામાં આવેલા શ્રેષ્ઠ આચરણોનું તેઓ પાલન કરે. તેમણે તમામ રાજ્યોના આરોગ્ય અધિકારીઓને “હર ઘર દસ્તક” અભિયાન હેઠળ દરેક ઘર સુધી પહોંચવા પ્રોત્સાહિત કર્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMRના DG ડૉ. બલરામ ભાર્ગવ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડૉ. સુનિલ કુમાર, અધિક સચિવ (આરોગ્ય) ડૉ. મનોહર અગનાની, અધિક સચિવ અને મિશન નિયામક-NHM શ્રી વિકાસ શીલ, અધિક સચિવ (આરોગ્ય)  આરતી આહુજા, સંયુક્ત સચિવ (આરોગ્ય) લવ અગ્રવાલ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠક દરમિયાન હાજર રહ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code