સ્પેસએક્સનું અવકાશયાન ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને સ્પેસ સ્ટેશન પહોંચ્યું, ભારત માટે પણ છે ગૌરવની વાત, જાણો કારણ
- એલન મસ્કની સ્પેસ એક્સનું અવકાશયાન સ્પેસ સ્ટેશન પહોંચ્યું
- સ્પેસએક્સનું કેપ્સૂલ આજે સવારે ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને પહોંચ્યું
- 60 વર્ષના ઇતિહાસમાં અમેરિકાના 600માં પ્રવાસીઓને સ્પેસમાં મોકલવાનું ગૌરવ પ્રાપ્ત થયુ
નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની કંપની સ્પેસએક્સે સિદ્વિ હાંસલ કરી છે. સ્પેસએક્સનું કેપ્સૂલ આજે સવારે ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયું છે.
આ સાથે અંતરિક્ષ પ્રવાસની પાછળ 60 વર્ષના ઇતિહાસમાં અમેરિકાના 600માં પ્રવાસીઓને સ્પેસમાં મોકલવાનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. અહીંયા જો કે રસપ્રદ વાત એ કહી શકાય કે અંતરિક્ષમાં જનારો જે 600મો વ્યક્તિ છે તે એક જર્મન નાગરિક છે.
આ મિશન અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની સાથે ભાગીદારીમાં રહ્યું હતું. આપને જણાવી દઇએ કે નાસાએ 2011 બાદથી પોતાનો સ્પેસ શટલ પ્રોગ્રામ બંધ કરી દીધો હતો. જેના ચાલતા તેમને પોતાના અંતરિક્ષ પ્રવાસીઓને ISS મોકલવા માટે રશિયાની સાથે ભાગીદારી પર નિર્ભર રહેવું પડ્યું હતું. પરંતુ હવે એલન મસ્કની કંપની સ્પેસએક્સ ખાનગી ક્ષેત્રમાં અંતરિક્ષ પ્રવાસ કરનારી મોટી કંપની બનીને ઉભરી છે. સ્પેસએક્સની આજ સફળતાની નોંધ લીધા બાદ નાસાએ ક્રૂ-3 મિશન શરૂ કર્યું અને ચાર અંતરિક્ષ પ્રવાસીઓને ISIS રવાના કર્યા.
ક્રૂ 3 ના અંતરિક્ષ યાત્રીઓની વાત કરીએ તો તેમાં રાજા ચારી, કાયલા બેરન, ટોમ માર્શબર્ન અમેરિકન નાગરિક છે. જ્યારે મથાયસ માઉરર જર્મનીના છે. આ ચારેય ગુરુવારે સવારે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલમાં બેસીને ફાલ્કન-9 રોકેટના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, અહીંયા આ સમગ્ર મિશનમાં જો ભારત માટે કોઇ ગૌરવ લેવા જેવી બાબત હોય તો એ છે કે અંતરિક્ષ યાત્રીઓમાં એક ભારતીય મૂળના અમેરિકન નાગરિક રાજા જોન વુર્પુતૂર ચારી છે. જે ફાઇટર વિમાનના પાયલટ છે. તેમને ક્રૂ-3 મિશનના કમાન્ડર બનાવવામાં આવ્યા છે. તેમને નાસાના ઓર્ટેમિસ કાર્યક્રમ અંતર્ગત વિશ્વના 18 અંતરિક્ષ યાત્રીઓ માટે 2017માં પસંદ કરવામાં આવ્યા હતા. આની પહેલા તે 461માં ફ્લાઇટ ટેસ્ટ સ્કવોડ્રના કમાન્ડર પણ હતા.