રાજ્યમાં ખાદ્યચીજોમાં ભેળસેળ અટકાવવા ટેસ્ટિંગ મોબાઈલ વાન, વિના મૂલ્યે તપાસ કરાવી શકાશે
અમદાવાદઃ રાજ્યમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળ વધતી જાય છે. તંત્ર પણ પહોંચી વળતુ નહોય નાગરિકો ફરિયાદ કરે ત્યારે જ પગલાં લેવાતા હતા. હવે ખાધપદાર્થેામાં થઇ રહેલી ભેળસેળને અટકાવવા માટે સરકારે મોબાઇલ વાનની વ્યવસ્થા કરી છે. જે રાજ્યમાં ફરીને ખાધપદાર્થેાના નમૂનાનું ચેકીંગ કરશે. રાજ્યનો કોઇપણ વ્યકિત ભેળસેળની તપાસ વિનામૂલ્યે કરાવી શકશે અને જો વેપારી કસૂરવાર હશે તો તેની સામે પગલાં લેવાશે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પુરસ્કૃત વધુ પાંચ મોબાઇલ ફુડ ટેસ્ટીંગ વાન ગાંધીનગરથી ખુલ્લી મૂકવામાં આવી છે. જેમાં કોઇપણ વ્યકિત ટેસ્ટીંગ કરાવી શકશે. ટેસ્ટીંગ દરમિયાન જો નમૂનો ભેળસેળયુકત હશે તો સામેથી સેમ્પલ લઇને વેપારી કે ઉત્પાદક સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.કેન્દ્ર સરકારના ફુડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડિયા દ્વારા અગાઉ આવી ચાર વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. જેમાં અધતન ટેકનોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં આ વાનની અસરકારક કામગીરીના કારણે કેન્દ્ર સરકારે વધુ પાંચ વાન મોકલાવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ મોબાઈલ વાન અદ્યતન ટેકનોલોજીયુકત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટિંગ મશીન દ્વારા ટેસ્ટિંગ કરી દૂધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનીયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેકસટ્રીન, યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે.
આ ઉપરાંત ખાધતેલ કે જેમાં વારંવાર ખાધચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરી શકાશે. ઉપરાંત પેકિંગમાં મળતાં પીવાનાં પાણીમાં ટી.ડી.એસ.ની માત્રા સહિત જયુસ, શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહિતની તમામ ચકાસણી સ્થળ ઉપર જ કરાશે. નમુનો ભેળસેળ યુકત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે. ફુડ સેફટી ઓફિસરને સ્માર્ટ જેકેટ પણ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટ જેકેટ ખાધ ચીજવસ્તુઓના ઉત્પાદક તથા વેચાણ સ્થળોએ નિરીક્ષણ તથા નમૂનાઓ લેવાની કાર્યવાહીમાં પારદર્શકતા જળવાય તે ઉપરાંત તેમાં આરએફઆઇડી ટેગ, પોકેટ કેમેરા અને કયુ આર કોડની જોગવાઇ ભવિષ્યમાં હશે. તે ઉપરાંત સ્માર્ટ જેકેટમાં નોટપેડ, સેમ્પલ કન્ટેઇનર્સ વિગેરે સાથે રાખી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે