ગુજરાતમાં બેવડી ઋતુથી વાયરલ બીમારીના દર્દીઓમાં વધારો, કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ
અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના આગમન સાથે ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જોકે રાત્રે ઠંડી અને બપોરના ટાણે થોડી ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. તેના લીધે રોગચાળો પણ વકર્યો છે. ગુજરાતમાં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયેલા જોવા મળી રહ્યાં છે, તો દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. બીજી તરફ કોરોના ધીરે ધીરે માથુ ઉચકી રહ્યો છે.
રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વીય પવનોને લીધે ઠંડીનું જોર વધ્યું છે. મોટાભાગનાં શહેરમાં ગરમીનો પારો ગગડ્યો છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરે ગરમી અને રાત્રે ઠંડીને લીધે રોગચાળો પણ વકર્યો છે. ઉપરાંત કોરોનાના કેસ ધીમી ગતીએ વધી રહ્યા છે. તેથી ફરી એક વખત ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવી રહ્યો છે. ટેસ્ટિંગ માટે ડોમ શરૂ કરવામાં આવી રહ્યા છે. તો રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર આવતા લોકોને પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસ નોંધાતા અલગ અલગ વિસ્તાને કેન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ મૂકવામાં આવી રહ્યા છે. સાથે જ અમદાવાદમાં જાહેર સ્થળો પર પ્રવેશ માટે રસીના બે ડોઝ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત કોરોનાને હરાવવા ગાઈડલાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી બની ગયું છે. શહેરમાં બેઋતુના કારણે તાવ, શરદી ઉધરસ, વગેરે દર્દીઓમાં વધારો થયો છે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો, તેમજ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વાયરલ બીમારીના અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.