જાફરાબાદમાં પાંજરે પુરાયેલા બીમાર સિંહે વન કર્મચારી પર હુમલો કર્યો
અમરેલીઃ જિલ્લામાં વન્યપ્રાણીઓ દ્વારા માનવીઓ પર હુમલાની વાત કઇ નવી નથી. ત્યારે જિલ્લાના જાફરાબાદમાં સિંહની સારવાર દરમિયાન સિંહે વનકર્મી પર હુમલો કર્યો હતો. ડોક્ટરના બદલે વનકર્મી કેમ સિંહની સારવાર કરતો હતો તે સવાલ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં એક બીમાર સિંહે વન કર્મી પર હુમલો કર્યા હતો. ઈજાગ્રસ્ત વન કર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. નરેશભાઈ પંડ્યા નામના વનકર્મી પાંજરામાં બીમાર સિંહની સારવાર કરી રહ્યા હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. સિંહે નરેશભાઈના પગના ભાગે હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. આ ઘટના બાદ કેર સેન્ટરમાં ભારે અફરાતરફી મચી ગઈ હતી. તેઓને સિંહના પાંજરામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. વનકર્મી નરેશ પંડ્યા રાજુલા રેન્જમાં ફરજ બજાવતા હતા. જોકે, આ હુમલા બાદ અનેક સવાલો ઉભા થયા છે. ડોક્ટરના બદલે વનકર્મી કેમ બીમાર સિંહની સારવાર કરતો હતો તેવા સવાલો ઉઠ્યા છે.
દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહ સહિત વન્યપ્રાણીનો વસવાટ પણ વધી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સિંહની સારવાર ચાલતી હતી, તે દરમ્યાન આ બનાવ બન્યો હતો. સિંહ બીમાર હતો તેમજ પાંજરે પુરાયો હોવાથી કંટાળી ગયો હતો. સિંહ વન કર્મચારી પર હુમલો કરતો નથી. આ બનાવથી વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. (file photo)