ડેન્ગ્યુ બાદ પણ બ્લેક ફંગસનું જોખમ ? ડેન્ગ્યુ બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવ્યાનો પહેલો દુર્લભ કેસ દિલ્હીમાં
- ડેન્ગ્યુથી બ્લેક ફંગસનું જોખમ
- દિલ્હીમાં પ્રથમ કેસ નોંધાયો
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં એક દુર્લભ કેસ સામે આવ્યો છે,મળતી માહિતી પ્રમાણે એક દર્દીમાં ડેન્ગ્યુ થયા બાદ બ્લેક ફંગસ થયું હોવાનો દુર્લભ કેસ નોંધાયો છે. ગ્રેટર નોઈડાના રહેવાસી 49 વર્ષીય મોહમ્મદ તાલિબ ડેન્ગ્યુથી સાજા થયા બાદ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ લઈને હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.
હોસ્પિટલના વરિષ્ઠ ઇએનટી વિભાગના ડોક્ટરે આ મામલે જણાવ્યું હતું કે જે દર્દીની અમે સારવાર કરી રહ્યા છે તે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોર માયકોસિસનો દુર્લભ કેસ છે. ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ દર્દી અચાનક એક આંખમાં દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. આવા કિસ્સાઓ ઘણીવાર ડાયાબિટીસ, ઓછી રોગપ્રતિકારક શક્તિ અથવા અન્ય કોઈ ચેપ ધરાવતા દર્દીઓમાં જોવા મળે છે.
હોસ્પિટલના રજીસ્ટ્રાર આ મામલે જણાવ્યું હતુ કે દર્દીને હોસ્પિટલમાં આવતા પહેલા નાકમાંથી લોહી નીકળતું હતું. ડેન્ગ્યુમાંથી સાજા થયાના 15 દિવસ પછી આ કેસ બન્યો છે. ડેન્ગ્યુ દરમિયાન દર્દીના પ્લેટલેટ્સ ઓછા થયા હતા. જોકે, પ્લેટલેટ ચડાવવાની જરૂર નહોતી. ડેન્ગ્યુના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાને કારણે તેને મ્યુકોર માયકોસિસ થયો.
તાજેતરમાં કોરોનાની બીજી તરંગ દરમિયાન, સમગ્ર દેશમાં બ્લેક ફંગસના મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. આવા કિસ્સાઓમાં, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ કોવિડ -19 થી સાજા થયા પછી તેનો શિકાર બની રહ્યા હતા. ડેન્ગ્યુ પછી મ્યુકોર માયકોસિસ એક નવો કેસ છે. આવી સ્થિતિમાં જે દર્દીઓ તાજેતરમાં ડેન્ગ્યુથી સાજા થયા છે. જો તેમને કોઈ નવા લક્ષણો દેખાય તો તરત જ તેમના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.