જૂનાગઢઃ ગરવા ગિરનારના સાંનિઘ્યે વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર 400 જેટલા સાઘુ-સંતો માટે પ્રતિકાત્મક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્ઘાળુઓમાં ભારોભાર રોષ ઊભો થયો હતો. આજે મઘ્યરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ આજે સવારથી ગિરનાર તળેટી વિસ્તારમાં પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર દૂરથી આવેલા શ્રઘ્ઘાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બપોરના બારેક વાગ્યાથી પરિક્રમા કરવાની માંગ સાથે પરિક્રમાર્થીઓ સતત હોબાળો મચાવી રહ્યા હતા. જો કે, સ્થિતિ વણસે નહીં તેને ઘ્યાને લઇ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને બહારની પોલીસ ભવનાથમાં બોલાવી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. લોકો કોઈપણ કાળે પરિક્રમા કરવા અડગ જોવા મળ્યા હતા. અંતે તંત્ર લોકોની લાગણીને ધ્યાન પર રાખી 400-400 લોકોના જૂથમાં પરિક્રમા કરવા માટે મંજૂરી આપી છે.
કારતક સુદ અગિયારસ એટલે કે આજે તા.14મીને રવિવારની મધ્યરાત્રિના સમયે ગરવા ગિરનારની પ્રાચીનતમ લીલી પરિક્રમા શરૂ થશે. આ વખતે પણ માત્ર 400 સાધુસંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા કરવાનો જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાધુસંતો અને અન્ય સામાજિક અગ્રણીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. પણ શ્રધ્ધાળુઓના ભારે વિરોધને પગલે તંત્રને આખરે મંજુરી આપવાની ફરજ પડી હતી. આજે વહેલી સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. પ્રવેશદ્વાર પાસે ભાવિકોએ જમાવડો કરી દીધો હતો. આ સાથે ભક્તો માંગ કરી રહ્યા હતા કે, અમને પણ પરિક્રમા કરવા દેવામાં આવે. અહિંના ઈટવા ગેટ પાસે ભાવિકોએ રસોઈ બનાવી હતી. આ સાથે ભાવિકોનું કહેવું છે, કે અમને કોરોના ભલે થાય પણ અમારે તો પરિક્રમા કરવી જ છે. પણ પરિક્રમાના પ્રવેશ દ્વાર પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આખરે તંત્રએ મંજુરી આપતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી સૌરાષ્ટ્રના ગામડાંઓમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમાના દરવાજે પહોંચી ગયા છે. આજે મધરાતથી પરિક્રમાનો પ્રારંભ થશે. તંત્ર દ્વારા રિજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓના 400-400ના ગૃપ બનાવવામાં આવી રહ્યા છે.