ગુજરાતમાં ઠંડા પવન ફુંકાતા ઠંડીમાં વધારોઃ નલિયા લધુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોધાયું
- નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
- અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો
- સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
- માવઠાને પગલે ઠંડીમાં ઘટાડો થવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે રાતના સમયે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ઠંડા પવન ફુંકાયા હતા જેથી લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન નલિયા સૌથી ઠંડુનગર રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી અને પાટણ તથા ડીસામાં 13.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોવાથી રાત્રિના સમયે ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોની સાથે તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં માવઠુ પડે તેવી શકયતા છે.
આ ઉપરાંત ગુરુવારે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 19 નવેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાને પગલે ઠંડીમાં ઘટાડો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
(Photo-File)