- ફેક એકાઉન્ટની સંખ્યા ઓછી કરવા ઇન્સ્ટાગ્રામ નવું ફીચર લાવશે
- હવે ઇન્સ્ટા પર નવું એકાઉન્ટ બનાવવા સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવું પડશે
- યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે
નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને યૂઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ પ્રયાસરત રહે છે. ઇન્સ્ટાગ્રામ હવે યૂઝર્સ માટે સેલ્ફી વેરિફિકેશન ફીચર લાવી રહ્યું છે. તેનાથી એ ખરાઇ થશે કે ઇન્સ્ટા એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ રિયલ છે કે કેમ. સૌથી પહેલા સોશિયલ મીડિયા કન્સલટન્ટ Matt Navarra એ જોયું હતું. ફેક એકાઉન્ટની સંખ્યાને ઓછી કરવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે. ફેસબૂકે કહ્યું કે, યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે.
હવે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવામાં આવશે, ત્યારે આ પ્રકારે સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવામાં આવશે. નવા યૂઝર્સે ફેસનો અલગ અલગ એન્ગલથી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. તેમાં રેકોર્ડેડ વીડિયોનો ઉપયોગ નહીં કરી શકાય, આ માટે તમારે લાઇવ સેલ્ફી વીડિયો પોસ્ટ કરવાનો રહેશે.
ઈન્સ્ટાગ્રામ પર આ સેલ્ફી વીડિયો ક્યારેય પણ જોવા નહીં મળે અને 30 દિવસમાં સર્વરમાંથી દૂર કરી દેવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે, આ સેલ્ફી વીડિયોનો ઉપયોગ માત્ર એકાઉન્ટ વેરિફિકેશન માટે કરવામાં આવશે. જો આ પ્રકારે વેરિફિકેશન કરવામાં નહીં આવે તો તમારી પ્રોફાઈલ બ્લોક કરી દેવામાં આવશે અથવા તમારી પ્રોફાઈલ ફેક ટેગ સાથે દર્શાવવામાં આવશે.
આપને જણાવી દઇએ કે Instagram તરફથી સેલ્ફી વીડિયો ફીચર ટેસ્ટિંગની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ તેમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી.
નોંધનીય છે કે, હાલમાં જે લોકો ઇન્સ્ટાગ્રામ યૂઝ કરી રહ્યાં છીએ, તેમણે ઓળખ કરવાની જરૂરિયાત નથી. માત્ર નવા યૂઝર્સે આઇડેન્ટીટી વેરિફાઇ કરવાની રહેશે.