અગાઉ પણ સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદા બાબતે બેકફૂટ પર જવું પડ્યું હતું, જાણો સરકારનું બેકફૂટ પર આવવાનું કારણ?
- અંતે બેકફૂટ પર આવી સરકાર
- કૃષિ કાયદાઓ રદ્દ કર્યા
- અગાઉ પણ સરકારે નમતુ મુકવું પડ્યું હતું
નવી દિલ્હી: અંતે 1 વર્ષથી નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતો સામે મોદી સરકાર ઝુકી છે અને મોદી સરકાર દ્વારા હવે નવા કૃષિ કાયદાઓને રદ કરી દેવામાં આવ્યા છે. અગાઉ પણ સરકારને આવી જ રીતે ઝુકવાનો વારો આવ્યો હતો અને ભૂમિ અધિગ્રહણ કાયદો રદ કરવાની ફરજ પડી હતી.
પીએમ મોદીએ આજે તેમના સંબોધન દરમિયાન કૃષિ કાયદા રદ કરવાની ઘોષણા કરી હતી. ખેડૂતોના આંદોલન સામે સરકારને નમવાનો વારો આવ્યો હતો.
છેલ્લા 1 વર્ષથી રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ખેડૂતો ત્રણેય નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માગ સાથે આંદોલન કરી રહ્યા હતા. છેલ્લા 1 વર્ષથી આ આંદોલન ચાલી રહ્યું હતું. કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતાને લઇને કાયદા પર સંશોધનની વાત કરી હતી. સાથે જ બે વર્ષ માટે કાયદો સસ્પેન્ડ કરવાની પણ વાત કરી હતી. જો કે તેમ છતાં પણ ખેડૂતોનું આંદોલન સમાપ્ત નહોતું થઇ રહ્યું.
અગાઉ પીએમ મોદીએ શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કેન્દ્રએ ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશ બનાવ્યા હતા. જમીન અધિગ્રહણ માટે 80 ટકા ખેડૂતોની સહમતી હોવી જરૂરી હતી. જો કે નવા કાયદામાં ખેડૂતોની સંમતિને પ્રાવધાન આપવામાં જ નહોતું આવ્યું જેના કારણે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો જેથી મોદી સરકારે નમતું મૂકતા 31 ઓગસ્ટ 2015ના રોજ તે કાયદો પરત ખેચ્યો હતો.
કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘શાનદાર સમાચાર! ગુરુનાનક જયંતીના શુભ અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા બદલ PM નરેન્દ્ર મોદીજીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરતી રહેશે!
પીએમ મોદીએ કૃષિ કાયદાઓ રદ કરવાનું એલાન કરતા કહ્યું હતું કે, અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી. હું દેશવાસીઓની માફી માંગું છું કે અમારા પોતાના પ્રયાસોમાં ક્યાંય કચાશ રહી હશે. પીએમ મોદીએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે, ગુરુપર્વના અવસર પર તમે તમારા ઘર અને ખેતર જાઓ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું.