તમિલનાડુઃ વેલ્લોર શહેરમાં એક મકાન ધરાશાયી થતા ચાર બાળકો સહિત 9ના મોત
- કાટમાળ નીચે હજુ અન્ય લોકો દબાયાં હોવાની શકયતા
- બચાવ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું
- મૃતકોમાં ચાર બાળકો અને ચાર મહિલાઓનો પણ સમાવેશ
બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એટલું જ નહીં તમિલનાડુમાં ભારે વરસાદ વરસતા જનજીવનને અસર થઈ હતી. દરમિયાન આજે વેલ્લોર શહેરમાં એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં ચાર મહિલા અને ચાર બાળકો મળીને 9 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર તમિલનાડુના વેલ્લોર શહેરમાં આજે સવારે એક મકાન ધરાશાયી થયું હતું. જેથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ બનાવમાં ચાર મહિલા અને ચાર બાળકો સહિત 9 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ મકાન કેવી રીતે ધરાશાયી થયું તે જાણી શકાયું નથી. બીજી તરફથી ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. કાટમાળ નીચે હજુ અન્ય લોકો દબાયા હોવાનું જાણવા મળે છે. તેમજ તેમને બહાર કાઢવાની રેસ્કયુ ટીમ કામગીરી કરી રહી છે. મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ મૃતકોની ઓળખ મેળવવાની કવાયત પણ શરૂ કરવામાં આવી છે.