- તામિલનાડુમાં મેઘતાંડવ
- મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 9 લોકોનાં મોત
- મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ
નવી દિલ્હી: તામિલનાડુ પર કુદરતી કહેર જોવા મળી રહ્યો છે. તામિલનાડુમાં ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. જળતાંડવને કારણે વેલ્લોર જીલ્લામાં એક મકાન ધરાશાયી થઇ ગયું છે જેને કારણે ચાર બાળકો સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે.
તામિલનાડુમાં સર્વત્ર જળબંબાકાર છે.સમગ્ર મામલે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન દ્વારા જે પણ લોકોનાં મોત થયા છે, તેમના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે.
તામિલનાડુના અનેક જીલ્લાઓમાં મેઘતાંડવને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું, તે તામિલનાડુ અને આંધ્રપ્રદેશને પાર કરી ગયું છે. જો કે ચેન્નાઇ અને પોંડિચરીમાં હજુ પણ તે પ્રેશર યથાવત્ છે. જેને કારણે અહીંયાના લોકો પરેશાન છે.
IMD દ્વારા જાણકારી અપાઇ છે કે, દક્ષિણ-પશ્વિમ બંગાળની ખાડી પર જે દબાણ સર્જાયું હતું તે હવે ઉત્તર-પશ્વિમ તરફ આગળ વધી રહ્યું છે. હજું પણ ચેન્નાઇ અને પુડુચેરીમાં ભારે વરસાદની શક્યતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ભારતમાં કુદરતને કહેર જોવા મળી રહ્યો છે. અહીંયા મેઘતાંડવના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. અહીંયા એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ શિયાળાની મોસમને કારણે ઠંડી પણ સતત વધી રહી છે જેને લીધે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ 9 લોકોનાં મોતના સમાચાર આવ્યા છે. હજુ પણ ત્યાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.