ભાવનગરઃ ગોહિલવાડ પંથકના અનેક લોકો રોજગાર-ધંધા માટે સુરત શહેરમાં વસવાટ કરી રહ્યા છે. એટલું જ નહીં ભાવનગર અને અમરેલી શહેર હીરા ઉદ્યોગથી સુરત સાથે જોડાયેલું છે. ત્યારે ભાવનગર અને સુરત વચ્ચે દોડતી એસટીબસો, ખાનગી લકઝરી બસોમાં સારોએવો ટ્રાફિક રહેતો હોય છે. આ ઉપરાંત ઘોઘા-હજીરા વચ્ચે રોરો ફેરી સર્વિસને સારો ટ્રાફિક મળે છે. હવે ભાવનગર-સુરત વચ્ચે વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.1 ડિસેમ્બર,2021થી ભાવનગરથી સુરત વચ્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા ફ્લાઇટનો આરંભ થશે. આ ફ્લાઇટ બુધ, ગુરૂ અને શનિ ત્રણ દિવસ ઓપરેટ થશે. સ્પાઇસ જેટ એરલાઇન્સ 1 ડિસેમ્બરથી મુંબઇ અને ભાવનગર ફ્લાઇટ ઓપરેટ કરશે. જે માટેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. પહેલી ડિસેમ્બરથી સ્પાઇસ જેટ એરલાઇન્સ સુરત-મુંબઇ-સુરતની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરશે.
આ સાથે ભાવનગર-સુરત-ભાવનગરની ફ્લાઈટ્સ પણ ઓપરેટ કરશે. આ ફ્લાઇટ બુધ, ગુરૂ અને શનિ 3 દિવસ ઓપરેટ થશે. સ્પાઇસ જેટ એરલાઇન્સે સુરત-મુંબઇ-સુરતની ફ્લાઇટનું એરફેર રૂ.3500 આસપાસ રાખ્યું છે. એ જ રીતે ભાવનગર-સુરત-ભાવનગરની ફ્લાઇટનું એરફેર રૂ. 2500 આસપાસ રાખ્યું છે. ઇન્ડિગો 6 ડિસે.થી બેંગ્લોર-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ ઓપરેટ કરશે. સુરત આ ફ્લાઇટ 10 . 45 કલાકે આવશે અને 11. 15 કલાકે જશે. ભાડુ રૂ. 3500ની આસપાસ રહેશે. ભાવનગર- સુરત વચ્ચેની ફ્લાઈટ શરૂ થવાની જાહેરાતથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં આનંદની લાગણી ઊભી થઈ છે. ફ્લાઈટ્સને લીધે વેપારીઓનો સમય બચશે. એરલાઈન્સના સૂત્રોએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ભાવનગર-સુરત વચ્ચે સારો ટ્રાફિક મળી રહેશે.