ભારતઃ 1લી જાન્યુઆરીથી કપડા અને પગરખાના ભાવમાં થશે વધારો, GST દર વધશે
દિલ્હીઃ ઈંધણના ભાવમાં થયેલા વધારાને પગલે જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. દેશની પ્રજા મોંઘવારી વચ્ચે પીસાઈ રહી છે. દરમિયાન આગામી દિવસોમાં કપડા અને પગરખા સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થવાની શકયતા છે. સરકારે જીએસટીમાં વધારો કર્યો છે. આ નિર્ણય અગાઉ લેવાયો હોવા છતા સરકારે હવે તેનું નોટિફિકેશન બહાર પાડયું છે. 1લી ન્યુઆરીથી 2022થી નવા જીએસટી દરો લાગુ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે 1લી જાન્યુઆરીથી કપડાં, પરિધાન તથા પગરખા પરનો જીએસટી 5 ટકાથી વધીને 12 ટકા કરવામાં આવ્યો છે. કાપડ ક્ષેત્રમાં ટેકસદરોમાં એકસૂત્રતા લાવવા માટે અમુક સિન્થેટિક ફાઈબર તથા યાર્નના જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યા છે. હવે 1લી જાન્યુઆરીથી તમામ પ્રકારના કપડામાં 12 ટકાનો જીએસટી લાગુ થશે. અત્યારના સમયે 1000ની ખરીદી પર પાંચ ટકા જીએસટી લાગે છે. પગરખામાં પણ 1000 સુધીની ખરીદીમાં પાંચ ટકા લાગુ પડે છે. નવા વર્ષથી તમામ પ્રકારની ખરીદીમાં 12 ટકા લાગુ થશે. જીએસટી કાઉન્સિલની સપ્ટેમ્બરની બેઠકમાં કપડાં તથા ફૂટવિયરમાં ટેકસ વિસંગતતા દૂર કરવાનો નિર્ણય કરાયો હતો.