આંધ્રપ્રદેશમાં આવેલા 500 વર્ષ જૂના ડેમમાં પડી તિરાડ,અનેક ગામોને જોખમ
- આંધ્રપ્રદેશમાં અનેક ગામોને જોખમ
- 500 વર્ષ જૂના ડેમમાં પડી તિરાડ
- વહીવટીતંત્રએ ચેતવણી જાહેર કરી
હૈદરાબાદ :આંધ્રપ્રદેશમાં આવેલા રાયલચેરુવુ ડેમમાં તિરાડ પડી છે,આ ડેમ રાજ્યના ચિતૂર જિલ્લામાં આવેલો છે. આ વાતની જાણ વહીવટી તંત્રને થતા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને 16 ગામોને તાત્કાલિક ખાલી કરવાનું જણાવવામાં આવ્યું છે. જાણકારી અનુસાર આ ડેમમાં કેટલીક નાની તિરાડો પડી છે જેના કારણે જોખમ ઉભું થયું છે.
વિશેષ અધિકારી પીએસ પ્રદ્યુમ્ન, ચિત્તૂર જિલ્લા કલેક્ટર એમ હરિનારાયણન, તિરુપતિના પોલીસ અધિક્ષક વેંકટ અપ્પલા નાયડુ અને મહેસૂલ અને સિંચાઈ અધિકારીઓએ ડેમની મુલાકાત લીધી હતી અને કોઈપણ જોખમને ટાળવાના પ્રયાસો ચાલુ છે.
તેમણે કહ્યું કે હાલમાં ડેમથી તાત્કાલિક કોઈ ખતરો નથી, જો કે સાવચેતીના ભાગરૂપે ગ્રામજનોએ તાત્કાલિક ત્રણ દિવસ માટે ગામડાઓ ખાલી કરવા જોઇએ અને ગ્રામવાસીઓએ તેમની કિંમતી ચીજવસ્તુઓ સાથે ઊંચાઈવાળા વિસ્તારો અથવા નજીકની એન્જિનિયરિંગ કોલેજોમાં જવું જોઈએ જે તેમના માટે તૈયાર કરવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે તે તંત્રને દૂર્ઘટના ઘટે તે પહેલા જાણ થતા અનેક લોકોના જીવ બચી ગયા છે તેમ કહી શકાય. જો ડેમ તૂટ્યો હોત તો અનેક લોકોના જીવ જવાની સંભાવના હતી, પણ હવે ડેમની નજીક આવેલા ગામડાના માણસોને અન્ય સ્થળે ખસેડવામાં આવતા કોઈ જાનહાની થવાની સંભાવના નથી. સરકાર દ્વારા વારંવાર તમામ ડેમની દેખરેખ કરવામાં આવે છે અને ક્યારેય પણ આ પ્રકારની જાણકારી મળે તે આગામી પગલા પણ લેવામાં આવતા હોય છે જેના કારણે કોઈ જાનહાનીની ઘટના બનતી નથી.