અમદાવાદઃ ગુજરાતની બે જાણીતી કંપની ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. પાઈપના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા ગ્રુપ સહિત બે જૂથ ઉપર આવકવેરાએ દરોડા પાડ્યાં હતા. બંને જૂથની ઓફિસ અને વ્યવસાયના સ્થળ સહિત 40 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
આવકવેરા વિભાગે બંને જૂથના અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિત શહેરોમાં આવેલા વ્યવસાયના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ઈન્કસટેક્સ વિભાગે એકસાથે 25 સ્થળે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે હાથ ધરાયો છે, જ્યારે બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં પાડવામાં આવેલા દરોડામાં ઇન્કમટેક્ષ વિભાગના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. આવકવેરા વિભાગે બે જાણીતા જૂથ ઉપર મોટાપાયે દરોડા પાડતા અન્ય ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગની તપાસ દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. આઈટીની તપાસના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
દિવાળી બાદ આવકવેરા વિભાગે સર્ચ-સર્વેની કવાયત તેજ બનાવી છે. તાજેતરમાં જ દક્ષિણ ગુજરાતમાં કેમિકલ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. સર્ચ-સર્વેમાં કેટલાક વાંધાજનક હિસાબો મળી આવ્યાં હતા અને કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યાં હતા. આઈટીના દરોડા દરમિયાન 100 કરોડની કરચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે.