શેરમાર્કેટ કડડભૂસ, રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા, આ કારણોસર માર્કેટ તૂટ્યું
- શેરબજારમાં 1600 પોઇન્ટનો કડાકો
- રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા
- આ કારણોસર શેરબજારમાં હાહાકાર મચ્યો
નવી દિલ્હી: આજનો દિવસ શેરબજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલતા રોકાણકારો માટે આજનો શુક્રવાર દુ:સ્વપ્ન કરતાં પણ ખરાબ નિવડ્યો હતો. સેન્સેક્સમાં 1600થી વધુ પોઇન્ટનો તેમજ નિફ્ટીમાં પણ 500થી વધુ પોઇન્ટનો કડાકો બોલી જતા હાહાકાર મચી ગયો હતો.
શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી કડડભૂસ થઇ જતા રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા. આજના સત્રમાં NSE,એ 2.91 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે BSE સેન્સેક્સ 2.87 ટકા (1687 પોઇન્ટ) ઘટ્યો હતો. ફાર્મા ઉપરાંત કોઇ સેક્ટર લીલા નિશાનમાં બંધ નથી. શુક્રવારના સત્ર દરમિયાન BSE સેન્સેક્સ 1687.94 પોઇન્ટના ઘટાડા સાથે 57,107.15 પર બંધ થયો હતો. જ્યારે NSE ઇન્ડેક્સ 509.80 પોઇન્ટના ઘટાડા સાથે 17026.50 પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં ચાર કારણોસર કડાકો બોલી ગયો હતો. નિફ્ટીમાં પણ કડાકો બોલી ગયો છે. કોરોના વાયરસ, દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવા વેરિએન્ટનો કહેર, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, મેટલ તેમજ ફાઇનાન્સિયલ બેંચમાર્ક તૂટવા અને એશિયન બજારમાં થયેલા નુકસાનથી શેરબજાર કડડભૂસ થયું હતું.