સુરતના પાંડેસરામાં આવેલી મીલમાં ભીષણ આગઃ મોટી દુર્ઘટના ટળી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મીલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બીજી તરફ ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ પાણીના મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મિલમાં શનિવારે સવારે અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એટલું જ નહીં આગના ઘુમડા બે કિમી સુધી જોવા મળતા હતા. આ અંગે ફાયરબ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતા. પાંચ ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મીલમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. આગનું ચોક્કસ કારણ જાણવા ફાયરબ્રિગેડની ટીમે તપાસ આરંભી હતી. બીજી તરફ આગને પગલે આસપાસની મીલના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ભય ફેલાયો હતો. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.