- કોવિડના નવા વેરિઅન્ટ પર વિશ્વવ્યાપી ચિંતા
- અન્ય યુરોપિયન દેશોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા
દિલ્હી:દક્ષિણ આફ્રિકામાં ઓળખાયાના થોડા દિવસો પછી યુનાઇટેડ કિંગડમમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ કરવામાં આવી હતી. હવે અન્ય યુરોપિયન દેશોમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ નોંધાયા છે. વિશ્વભરની સરકારો આ નવા પ્રકારનો ફેલાવો રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
બેલ્જિયમ, બોત્સ્વાના, હોંગકોંગ, યુકે અને ઈઝરાયેલમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળે તે પહેલા જ ચિંતા વધી ગઇ છે. ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. એવી આશંકા છે કે,વર્તમાન કોવિડ રસી ઓમિક્રોન વેરિઅન્ટ પર બહુ અસરકારક રહેશે નહીં. નિષ્ણાતોએ કહ્યું છે કે,ઓમિક્રોનને રોકવા માટે જે નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે તેમાં ઘણું મોડું થઈ શકે છે.
ઇટાલી
ઈટાલીની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે,મોઝામ્બિક જઈ રહેલા એક નાગરિકમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યો છે. વેપારી પ્રવાસી 11 નવેમ્બરના રોજ રોમમાં ઉતર્યો અને નેપલ્સમાં તેના ઘરે પાછો ફર્યો. બે બાળકો સહિત પરિવારના પાંચ સભ્યોનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિલાનની સૈકો હોસ્પિટલે વેરિઅન્ટની પુષ્ટિ કરી છે. ઇટાલીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિને રસીના બંને ડોઝ મળ્યા છે.
જર્મની
મ્યુનિકના માઇક્રોબાયોલોજી સેન્ટર, મેક્સ વોન પેટેનકોફર ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે,24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી ઉડાન ભરનારા બે મુસાફરોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી. સંસ્થાના વડા ઓલિવર કેપ્લરે જણાવ્યું હતું કે, જીનોમ સિક્વન્સિંગ હજુ પૂર્ણ થયું નથી. પરંતુ કોઈપણ શંકા વિના વેરિઅન્ટની પુષ્ટિ થાય છે.
યુકે
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે,સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ મળ્યા બાદ યુકેએ શનિવારે માસ્ક પહેરવા અને આંતરરાષ્ટ્રીય આગમનના પરીક્ષણને કડક બનાવ્યું હતું.